ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલ અલાહાબાદ યુનિવર્સીટીના ઉપકુલપતિએ લખેલ એક ચિઠ્ઠી આજકાલ ઘણી ચર્ચામાં છે. પ્રો. સંગીત શ્રીવાસ્તવએ સ્થાનિક ડીએમને એક પત્ર લખીને ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે મસ્જિદમાં થતી અઝાનને કારણે તેમની ઊંઘ બગડે છે. એટલે આ મામલે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે.પ્રોફેસર સંગીત શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને લખેલ ચિઠ્ઠીમાં કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગે મસ્જિદમાં અઝાન થતી હોય છે, તેવામાં લાઉડસ્પીકરના વધારે પડતા અવાજને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડે છે.કુલપતિએ ફરિયાદ કરી છે કે અઝાનને કારણે ઊંઘ બગડે છે અને બાદમાં ઊંઘ પણ નથી આવતી. જેના કારણે આખો દિવસ માથામાં દુખાવો થતો રહે છે અને તેની અસર તેમના કામકાજ પર પણ પડે છે. જણાવી દઈએ કે આ ચિઠ્ઠી આ મહિનાની 3જી માર્ચના રોજ લખવામાં આવી હતી.
જોકે કુલપતિએ પોતાની ચિઠ્ઠીમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ સંપ્રદાય જાતિ કે ધર્મના વિરોધમાં નથી. પરંતુ, તેમણે એક કહેવતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તમારી સ્વતંત્રતા ત્યારે ખતમ થઇ જાય છે જયારે મારી નાક શરૂ થઇ જાય છે. ડીએમને લખવામાં આવેલ ચિઠ્ઠીમાં પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવએ અપીલ કરતા કહ્યું છે કે અઝાન લાઉડસ્પીકર વગર પણ થઇ શકે છે જેથી અન્ય કોઈના રોજિંદા કામ પર તેની અસર ન થાય. તેમણે કહ્યું છે કે હમણાં આવનાર ઇદમાં સહરીની જાહેરાત પણ સવારે ચાર વાગ્યાથી કરવામાં આવશે. એવામાં આનાથી પણ તકલીફો વધી શકે છે. પ્રોફેસર સંગીતા શ્રીવાસ્તવે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારતના સંવિધાનમાં તમામ વર્ગ માટે પંથનિરપેક્ષતા અને શાંતિપૂર્ણ સૌહાર્દની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અલાહાબાદ હાઇકોર્ટના આદેશ (પીઆઈએલ નંબર 570 ઓફિસ 2020)નો હવાલો પણ આપ્યો છે.