નાગપુરમાં હલ્દીરામ રેસ્ટોરન્ટ પર એક વ્યક્તિએ વડા-સંભારનો ઓર્ડર આપ્યો પરંતુ તેની સામે ડીશ આવી ત્યારે તે અચંબિત થઈ ગયો. તેના સંભારના બાઉલમાં મૃત ગરોળી પડી હતી. વ્યક્તિએ ગરોળીનો ફોટો પાડીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ ગયો. ખાદ્ય તેમજ ઔષધિ પ્રશાસને ફોટો વાયરલ થયા બાદ રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરીને તેને તાળા લગાડી દીધા છે. આ ઘટના નાગપુરના અજની ચાર રસ્તા પાસે આવેલી આ રેસ્ટોરન્ટની છે.
એએફડીએ નાગપુરના આસિસ્ટન્ટ કમિશનર મિલિંદ દેશપાંડેએ મીડિયાને જણાવ્યું કે વર્ધાથી એક યુવક-યુવતી નાગપુર આવ્યા હતા. તેઓએ હલ્દીરામમાંથી વડા-સંભારનો ઓર્ડર આપ્યો હતો. તેઓ જેવા વડા-સંભાર ખાવા ગયા કે તરત જ તેમણે તેમાં કંઈક કાળા રંગનો તરતો પદાર્થ જોયો હતો. તેમણે ચમચીની મદદથી જોયું ત્યારે ખબર પડી કે તેમાં મૃત ગરોળી હતી.