કેન્દ્ર સરકાર લોકડાઉનના સમયને વધારવાનો નિર્ણય કરી ચૂકયું છે. બુધવારના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં આયોજીત સર્વદળીય મીટિંગમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે લોકડાઉનને હજુ ખત્મ ના કરવા પર જોર આપ્યું. તેમણે હાલની સ્થિતિને ‘નેશનલ ઇમરજન્સી’ ગણાવતા સોશિયલ ડિસ્ટેંસિંગના ઉપાયોને વધુ કડક કરવાની વાત કહી.
પ્રધાનમંત્રીની આ મીટિંગની એક ઑડિયો ક્લિપ લીક થઇ ગઇ, જેમાં પીએમ મોદીને એ કહેતા સાંભળી શકાય છે કે દેશમાં હાલ કોરોના મહામારીના લીધે નેશનલ ઇમરનજ્સી જેવી સ્થિતિ છે. અલગ-અલગ રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીતમાં પીએમે કહ્યું કે હું પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યો છું અને તેમની પાસેથી ફીડબેક લઇ રહ્યો છું. આ સિવાય મેં જે જિલ્લાધિકારીઓ સાથે વાત કરી છે તેઓ પણ એ વાત પર એકમત છે કે લોકડાઉનને એક જ વખતમાં હટાવું યોગ્ય નથી.
અગ્રણી મીડિયા હાઉસને મળેલી માહિતી પ્રમાણે લીક ઑડિયોમાં પીએમે કહ્યું કે હું એ મુદ્દા પર મુખ્યમંત્રીઓ સાથે ફરી વાત કરીશ પરંતુ એ સ્પષ્ટ છે કે હાલની પરિસ્થિતિઓમાં લોકડાઉનને હટાવવું શકય નથી. તેમણે કહ્યું કે સોશિયલ ડિસ્ટેંસિંગને લાગૂ કરવા માટે આપણે વધુ કડક પગલાં ભરવાની જરૂર છે. પીએમે કહ્યું કે હાલના સમયમાં દેશમાં જે સ્થિતિ છે તે નેશનલ ઇમરજન્સી જેવું છે.