આજે એગ્ઝિટ પોલનાં આંકડાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે લોકોમાં મતગણતરી પહેલાં જ આ પરિણામો પર સહુ કોઇની નજર રહેતી હોય છે. જો કે આ એગ્ઝિટ પોલને તૈયાર કરવામાં ખૂબ ખર્ચ થતો હોય છે. જો કે, આ ખર્ચ એટલો વધારે હોય છે કે એક એજન્સી અથવા તો પછી મીડિયા હાઉસ આનો સંપૂર્ણ ખર્ચ પોતાની મેળે જ વહન નથી કરી શકતા.
પ્રત્યેક એગ્ઝિટ પોલ પર ત્રણ કરોડનો ખર્ચઃ
એગ્ઝિટ પોલ પર ખર્ચ સીધી રીતે સેમ્પલ સાઇઝ પર નિર્ભર હોય છે. જેટલી મોટી સેમ્પલ સાઇઝ હશે, એટલો જ ખર્ચ વધી જશે. એગ્ઝિટ પોલને કરાવનાર એજન્સીઓ અનુસાર સેમ્પલ સાઇઝ 60 હજાર લોકોની છે તો પછી આની પર ત્રણ કરોડનો ખર્ચ આવશે.
ત્યારે એક લાખનાં સેમ્પલ સાઇઝ પર પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. એક સેમ્પલની સાઇઝ પર અંદાજે પાંચસો રૂપિયા આવે છે. કર્મચારીઓને માત્ર પ્રોજેક્ટનાં બેસિસ પર રાખવામાં આવે છે. કોઇ પણ કંપની આને માસિક વેતન પર ના રાખી શકે.
આ વખતે આઠ મોટી ચેનલો પર પ્રસારિતઃ
આ વખતે એગ્ઝિટ પોલ આઠ મોટા ચેનલો પર પ્રસારિત થશે. આ ચેનલોએ અંદાજે નવ એજન્સીઓ સાથે ટાઇઅપ કરેલ છે. આ ચેનલ અને એજન્સી છે ન્યૂઝ 18-IPSOS, ઇન્ડીયા ટુડે-એક્સિસ, ટાઇમ્સ નાઉ-વીએમઆર, ન્યૂઝ એક્સ-નેતા, રિપબ્લિક-જન કી બાત, રિપબ્લિક-સી વોટર, એબીપી-નીલસન, ઇન્ડીયા ટીવી-સીએનએક્સ અને ન્યૂઝ24- ટુડે ચાણક્ય.
એગ્ઝિટ પોલ એટલે શું?
એગ્ઝિટ પોલ એક સર્વેનાં માધ્યમથી તૈયાર કરવામાં આવે છે. આ સર્વે દ્વારા એમ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે ચૂંટણીનું પરિણામ કયા પક્ષની તરફેણમાં જઇ રહ્યું છે. મતદારો જ્યારે મત આપીને નીકળતા હોય છે ત્યારે તેઓને પૂછવામાં આવે છે કે તમે કોને મત આપ્યો. તમને જણાવી દઇએ કે વર્તમાન લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. આથી એગ્ઝિટ પોલનાં આ આંકડાઓ દરેક તબક્કામાં મતદાન બાદ જ ભેગાં કરાય છે. તેનાં આધારે જે સર્વેક્ષણનું વ્યાપક પરિણામ સામે આવે છે તેને એગ્ઝિટ પોલ કહેવાય છે.
પ્રથમ વાર એગ્ઝિટ પોલ કોણે શરૂ કર્યુ?
એગ્ઝિટ પોલ શરૂ કરવાનું શ્રેય નેધરલેન્ડનાં એક સમાજશાસ્ત્રી અને પૂર્વ રાજનેતા એવાં માર્સેલ વોન ડેમને ફાળે જાય છે. તેઓએ 15 ફેબ્રુઆરી, 1967નાં રોજ આનો સૌ પ્રથમ ઉપયોગ કર્યો હતો. નેધરલેન્ડમાં થયેલી ચૂંટણીમાં તેમનું અનુમાન બિલકુલ સચોટ જણાયું હતું. જ્યારે ભારતમાં તેની શરૂઆત કરવાનું શ્રેય ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક ઓપિનિયનનાં પ્રમુખ એરિક ડી. કોસ્ટાને જાય છે. ચૂંટણી દરમ્યાન આને અનુસંધાને પ્રજાનો મિજાજ પારખનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતાં.
દર ફેરે સાચું ના પણ હોઇ શકે એગ્ઝિટ પોલઃ
આંકડાઓ અને અનુમાનોનાં યોગથી કોઇ એક પાર્ટીનાં જીતની ભવિષ્યવાણી કરી દેવામાં આવશે અને ગ્રહદશાની ગણના કરીને કોઇ પાર્ટીનાં સૂપડા સાફ કરી દેવામાં આવશે. અનેક વાર એગ્ઝિટ પોલ ખોટાં સાબિત થયાં છે. એવામાં આની પર સંપૂર્ણપણે વિશ્વાસ કરવો એ યોગ્ય નથી.