સમગ્ર ભારતમાં આજે 11 એપ્રિલથી લોકતંત્રનો સૌથી મોટો પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. લોકસભા ચૂંટણી 2019નાં પહેલા ચરણમાં 18 રાજ્યો અને બે કેન્દ્રશાષિત પ્રદેશની 91 લોકસભા સીટો અને ચાર રાજ્યો ઓરિસ્સા, અરૂણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, સિક્કિમની વિધાનસભાની બેઠક પર આજે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણી આયોગ પ્રમાણે પહેલા તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભાની સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચ અનુસાર પ્રથમ તબક્કા માટે 8 એપ્રિલ સુધી ચૂંટણી મેદાનમાં કુલ 1,279 ઉમેદવારો છે.
કેન્દ્રીય નેતાઓની વાત કરવામાં આવે તો આ પ્રથમ તબક્કામાં વી.કે. સિંહ, મહેશ શર્મા, અજીત સિંહ, ચિરાગ પાસવાન અને કિરેન રિજિજૂ જેવા નેતાઓની બેઠક માટે મતદાન યોજાયુ છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે સંઘ પ્રમુખ મોહન ભાગવતે મતદાન કર્યું. મોહન ભાગવતે જણાવ્યું કે દરેક લોકો અવશ્ય મતદાન કરે. નાગપુર બેઠક પરથી ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને કોંગ્રેસના નાના પટોલે મેદાનમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી મતદાતાઓને મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ ટવિટ કરી લખ્યું છે કે પહેલાં કરો મતદાન, પછી જલપાન. પીએમ મોદીએ કહ્યું છે કે વધુમાં વધુ મતદાતાઓ મતદાન કરે. લોકતંત્રના આ મહોત્સવમાં જરૂર ભાગ લો.