Lok Sabha Elections 2024
ઉત્તર પ્રદેશનો અમેઠી સંસદીય ક્ષેત્ર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જોકે, પાર્ટીએ હજુ ત્યાં ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
Lok Sabha Elections 2024: હાલમાં લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશ (યુપી)ના અમેઠીમાંથી કોંગ્રેસના ઉમેદવારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ઉમેદવારના નામની જાહેરાતમાં વિલંબને લઈને પક્ષના અનેક નેતાઓ અને કાર્યકરોમાં રોષ ફેલાયો છે. મંગળવારે (30 એપ્રિલ, 2024), પાર્ટીના કાર્યકરોએ ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયમાં અમેઠીથી ગાંધી પરિવારના ઉમેદવારને લઈને પ્રદર્શન કર્યું.
આ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ પાર્ટી કાર્યાલયની બહાર કાર્પેટ પાથરીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમના હાથમાં પ્લેકાર્ડ હતા જેના પર “અમેઠી માંગે ગાંધી પરિવાર” અને “અમેઠી માંગે રાહુલ ગાંધી” લખેલું હતું. કાર્યકરો વાયનાડ, કેરળના પાર્ટી સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
કોંગ્રેસ ચીફ મલ્લિકાર્જુન ખડગેએ આ માહિતી આપી હતી
27 એપ્રિલ, 2024 ના રોજ, આસામના ગુવાહાટીમાં, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમેઠી અને રાયબરેલી બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ થોડા સમય પછી જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “થોડા દિવસો રાહ જુઓ. અમે બંને બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરીશું.”
પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ રેસમાં?
અમેઠી બેઠકને લઈને એવું પણ કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ત્યાંથી ચૂંટણી લડી શકે છે. આના થોડા દિવસ પહેલા જ તેણે રાજકારણમાં આવવાના સંકેત પણ આપ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સામે લડી શકે છે. જો કે હાલમાં આ અંગે પાર્ટી દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ભાજપે ફરી સ્મૃતિ ઈરાની પર દાવ લગાવ્યો છે
અમેઠી સંસદીય ક્ષેત્ર લાંબા સમયથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. કોંગ્રેસે હજુ પત્તાં ખોલ્યા નથી ત્યાં ભાજપે ફરી સ્મૃતિ ઈરાની પર દાવ લગાવ્યો છે. સ્મૃતિ ઈરાનીએ 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો હતો. ત્યારબાદ ભાજપના ઉમેદવારે રાહુલ ગાંધીને હારનો સ્વાદ ચખાડ્યો અને પોતાના જ ગઢમાં ભાજપનો ઝંડો લહેરાવ્યો.