પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકોને વધુ એક ફટકો પડ્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ દ્વારા રાંધણ ગેસની કિંમતમાં વધારે કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટમાં જાહેર કરવામાં આવેલા રેટ્સ પ્રમાણે, સબસિડી વિનાના રાંધણ ગેસની કિંમતોમાં અંદાજે 150 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દેશના તમામ મહાનગરોમાં સબસિડી વાળા 14 કિલોના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત 144.50 રુપિયાથી 149 રુપિયા સુધી વધારવામાં આવી છે, જે આજથી લાગુ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, અગાઉ 1 જાન્યુઆરી 2020ના રાંધણ ગેસની કિંમતો વધારવામાં આવી હતી. દર મહિને સબસિડી અને માર્કેટ રેટમાં ફેરફાર થતો રહે છે. રાંધણ ગેસના કુલ 27.6 કરોડ જેટલા ગ્રાહકો છે. જેમાં 2 કરોડ લોકોને સબસિડી નથી મળતી.
IOCની વેબસાઈટ પ્રમાણે, દિલ્હીમાં હવે 14 કિલોનો રાંધણ ગેસનો બાટલો 858.50 રુપિયામાં મળશે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 144.50 રુપિયા વધારવામાં આવ્યા છે. જ્યારે કોલકત્તામાં ગ્રાહકોને 149 રુપિયા વધારે ચૂકવીને 896 રુપિયાની કિંમતે સિલિન્ડર ખરીદવું પડશે. મુંબઈમાં 145 રુપિયાના વધારા સાથે નવી કિંમત 829.50 રુપિયા થઈ ગઈ છે. જ્યારે દેશના દક્ષિણ રાજ્યના ચેન્નઈ શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત 147 રુપિયા વધવા સાથે 881 રુપિયા કરી દેવામાં આવી છે.