ભારત સહિત દુનિયાના અનેક દેશમાં ખુબ જ લોકપ્રિય શોર્ટ વીડિયો એપ ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ મદ્રાસ હાઇકોર્ટે હટાવી લીધો છે. સુપ્રીમ કોર્ટે ટિકટોક પર લાગેલા પ્રતિબંધ સામે દાખલ અરજી પર સુનાવણી કરતાં મદ્રાસ હાઇકોર્ટને 24 એપ્રિલ સુધી પ્રતિબંધન આદેશ પર વિચાર કરવાનો આદેશ આપ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે બુધવારે આ મામલે સુનાવણી હાથ ધરી હતી, જેમાં ટિકટોક પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો છે.
આ પહેલા મદ્રાસ હાઇકોર્ટે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે આ નિર્ણય સામે ટિકટોક એપના માલિક ચાઇનીઝ કંપની Bytedance Technologyએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે કંપનીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું હતું કે હાલ મદ્રાસ હાઇકોર્ટ આ મામલે સુનાવણી કરી રહ્યું છે. એવામાં પ્રતિબંધને લઇને કોઇ નિર્ણય ન લઇ શકાય.