નવી મુંબઇમાં આવેલા ONGC પ્લાન્ટમાં આજે સવારે આગ લાગતાં ઓછામાં ઓછા પાંચ જણ માર્યા ગયા હતા અને બીજા આઠથી વધુ લોકોને નાની મોટી ઇજા થઇ હતી. આ આગ કોલ્ડ સ્ટોરેજ વિભાગમાં લાગી હતી.
આ પ્લાન્ટમાં રાંધણ ગેસ (એલપીજી) થી કામકાજ થાય છે એટલે આગ સતત વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તરત ગેસને લગતા કામકાજને અટકાવી દેવામાં આવ્યું હતું. ગેસ સપ્લાય વિભાગને બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ પ્લાન્ટ નવી મુંબઇમાં ઉરણ વિસ્તારમાં આવેલો છે. ફાયર બ્રિગેડના અડધો ડઝન લાયબંબા ઘટના સ્થળે દોડી ગયા હતા. આજે સવારે સાતેક વાગ્યે આગ લાગી હતી. આસપાસનાં વિસ્તારના લોકોને ખાલી કરાવી રહ્યા છે. પ્લાન્ટમાં કામ કરી રહેલા બીજા ઘણા લોકો અંદર ફસાયા હોવાની દહેશત છે. ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે