પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્રની ભાજપ સરકારને ઉખેડી ફેંકવા માટે તમામ પાર્ટીઓના નેતાઓની ‘મહારેલી’નું આયોજન કર્યું છે. મમતા બેનરજીની એન્ટી-બીજેપી ‘યૂનાઈટેડ ઈન્ડિયા રેલી’ માટે અલગ-અલગ રાજકીય પાર્ટીઓના નેતાઓ શુક્રવારે જ કોલકાત્તા પહોંચી ચૂક્યા હતા. આ ‘સંયુક્ત વિપક્ષી રેલી’માં કોંગ્રેસ સહિત ૨૨ જેટલી વિપક્ષી પાર્ટીઓએ હાજરી આપી છે. રેલી પછી મમતા બેનરજી વિપક્ષી પાર્ટીઓ માટે ‘ટી પાર્ટી’નું આયોજન પણ કરશે.
કોંગ્રેસ તરફથી મમતા બેનર્જીની રેલીમીં સામેલ થયેલા અભિષેક મનુ સંધવીએ કહ્યું કે, આપણી વિપક્ષી એકતા ઈન્દ્રધનૂષની જેમ છે. આજે ૨૨ પાર્ટીઓનું ઈન્દ્રધનૂષ બન્યું છે. બધી પાર્ટીઓના રંગો અલગ-અલગ હોવા છતા પણ વિપક્ષ એ એક ઈન્દ્રધનૂષ છે. તેમણે કહ્યું કે હવે તો જનતાની પણ એ જ માંગ છે કે આ વખતે મોદી સરકાર ના જોઈએ. અભિષેક મનુએ કહ્યું કે મને એ વાતની અત્યંત ખુશી છે કે ભાજપને કોલકાતામાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી ન આપવામાં આવી.
મમતા બેનર્જીએ કોલકાતાની મહારેલીમાં શરદ યાદવને કહ્યું કે દેશમાં સ્વતંત્રતા, ખેડૂતો, વેપાર-ધંધો વગેરે બધું જ ખતરામાં છે. તેમણે કહ્યું કે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં જેટલું બલિદાન બંગાળે આપ્યું છે તેટલું દેશના બીજા કોઈ પણ રાજ્યએ નથી આપ્યું. શરદ યાદવે કહ્યું કે નોટબંધીને કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે.
વિપક્ષી રેલીમાં ફારુક અબદુલ્લાએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, ઈવીએમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. એમ પણ સમગ્ર વિશ્વમાં ઈવીએમનો ઉપયોગ બંધ કરી દેવાયો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન કોણ બનશે એ તો પછીનો પ્રશ્ન છે પરંતુ પહેલા આપણે સૌએ એક સાથે મળીને મોદી સરકાર સામે લડવું પડશે.
બસપા તરફથી આવેલ સતીષ ચંદ્ર મિશ્રાએ રેલીમાં કહ્યું કે, મોદી સરકાર દરેક મોરચામાં નિષ્ફળ રહી છે. સરકાર સત્તામાં આવી તે પહેલા તેણે ઘણા મોટા-મોટા વાયદાઓ કર્યા હતા પરંતુ સત્તા પર આવ્યા બાદ તેઓ તેમના જ કરેલા તમામ વાયદાઓને ભૂલી ગયા છે. તેમણે ગરીબો, ખેડૂતો, મજૂરો અને દલિતોને હેરાન પરેશાન કર્યા છે. કરોડો લોકો તેમના કારણે બેરોજગાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે ઘણા કારખાનાઓ બંધ કરાવી દીધા છે. જેથી મોદી સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકવી જરૂરી છે.