પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ અમિત શાહ પર અંકુશ લગાવે, કેમકે તેઓ રાજ્યમાં હિંસા ભડકાવી શકે છે.પૂર્વ વર્ધમાન જિલ્લાના મેમારીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે મમતા બેનરજીએ કહ્યું કે મેં આવો ગુંડો, હિંસાખોર ગૃહમંત્રી મારી આખી જિંદગીમાં નથી જોયો. અમિત શાહ વાઘ કરતા પણ વધારે ખતરનાક છે. લોકો તેમની સાથે વાત કરતા ડરે છે. હું નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે તેઓ પહેલા અમિત શાહ પર અંકુશ લગાવે. તેઓ અહીં હિંસા ભડકાવી રહ્યા છે.આટલેથી ના અટકતા તેમણે અમિત શાહ પર આરોપ લગાવ્યો છે કે તેઓ દરેક પ્રકારના અનૈતિક કાર્ય માટે પોલીસ પર દબાણ બનાવી રહ્યા છે. મમતા બેનરજીએ રાજ્યમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીને બંગાળની અસ્મિતાની રક્ષાનો પ્રયાસ ગણાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે આ ચૂંટણી બંગાળને ગુજરાત થતું બચાવા માટેની છે.
