ઝોમેટોને જ્યારે ફૂડ ડિલિવરી કરવાની જવાબદારી એક મુસ્લિમ યુવાનને સોંપી તો ગ્રાહક અમિત શુક્લએ વાંધો વ્યક્ત કર્યો અને ઓર્ડર કેન્સલ કરી દીધો હતો. ત્યારબાદ અમિતે ઝોમેટો એપ અનઇન્સટોલ કરી દીધી હતી અને સમગ્ર ઘટનાની જાણકારી ટ્વિટર પર આપી હતી. આ અંગે ઝોમેટોએ ટ્વિટર પર લખ્યું કે, ભોજનનો કોઇ ધર્મ નથી હોતો, ભોજન પોતાની રીતે જ એક ધર્મ છે. ત્યારબાદ ઝોમેટોના માલિક દીપિંદર ગોયલે જણાવ્યું હતું કે, જો આવા ગ્રાહકો અમને છોડીને જવા માગે છે તો ભલે જાય.
અમિત શુકલે 30 જુલાઇએ ટ્વીટ કર્યું હતું. અમિતે લખ્યું કે, હાલ ઝોમેટો પર એક ઓર્ડર કેન્સલ કરી દીધો કેમકે તે એક નોન-હિન્દુ રાઇડરને ભાોજન પહોંચડવા માટે મોકલવામાં આવ્યો હતો. કંપનીએ કહ્યું કે તે રાઇડર બદલશે નહીં અને ઓર્ડર કેન્સલ પણ નહીં કરે. મેં કહ્યું કે ડિલિવરી લેવા માટે તેઓ બળજબરી નથી કરી શકતા. મને રિફન્ડ નથી જોઇતું, મારો ઓર્ડર કેન્સલ કરી દો.
બીજી ટ્વીટમાં ઝોમેટો એપ ડિલીટ કરવાની વાત કરી હતી. શુકલે જણાવ્યું હતું કે, ઝોમેટો મને એ લોકો પાસેથી ડિલિવરી લેવા માટે દબાણ કરે છે જેની પાસેથી તેઓ ભોજન લેવા માગતા નથી. અને તેઓ રિફન્ડ પણ નથી આપતા અને કોઇપણ પ્રકારનો સહયોગ પણ નથી કરતા. આ મુદ્દે હું વકીલ સાથે વાત કરીશ.
આ અંગે ઝોમેટોએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ભોજનનો કોઇ ધર્મ નથી હોતો. ભોજન પોતાની રીતે જ એક ધર્મ છે. ત્યારબાદ ઝોમેટોના સહસ્થાપક દીપિંદર ગોયલે લખ્યું કે, અમને આઇડિયા ઓફ ઇન્ડિયા અને અમારા આદરણીય ગ્રાહકો અને પાર્ટનરોની વિવિધતા પર ગર્વ છે. અમને અમારા મૂલ્યો વચ્ચે આવનારા બિઝનેસને ગુમાવવા પર કોઇ દુ:ખ નથી.