દેશમાં અને રાજ્યમાં એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી, તેવી જ સ્થિતિનું ફરી વખત નિર્માણ થઇ રહ્યું છે. ફરી એક વખત દેશમાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપી બન્યો છે. ગુજરાત અને અમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસોને કારણે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. તો મહાનગરપાલિકાઓ પણ પોતાની રીતે કોરોનાને ફેલાતો રોકવા માટે પગલા ભરી રહી છે.આ જ કડીમાં અમદાવાદ મનપા દ્વારા નાઇટ કર્ફ્ય અને શનિ-રવિ મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. વીકેન્ડમાં મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્યણ કોરોનાનો ફેલાવો રોકવા માટે કરાયો છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ જ નિર્ણયના કારણે કોરોના વિસ્ફોટ થશે. તેનું કારણ છે કે જેવી આશિંક લોકડાઉન અને પ્રતિબંધોની શરુઆત થઇ કે લોકો તરત પેનિકમાં આવી ગયા છે.શનિવાર અને રવિવારે મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ થવાની જાહેરાત સાથે જ લોકોના ટોળે ટોળા ખરીદી માટે ઉમટી પડ્યા છે.
લોકો પેનિક થયા છે ને પેનિકમાં આવીને ખરીદી પણ કરી રહ્યા છે. જેના કારણે શહેરના તમામ મોલ અને માર્કેટની અંદર ભીડ જામી છે. આ સ્થિતિ ખરેખર જોખમી છે. એક તરફ શહેરમાં કોરોનાનો દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે મોલમાં એકઠી થયેલી આ ભીડના કારણે કોરોના વિસ્ફોટ થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. લોકોને એવો પણ ડર છે કે કદાચ ફરીથી લોકડાઉન લાગુ થશે. જેથી પેનિકમાં આવીને લોકો જરુર કરતા વધારે ખરીદી કરી રહ્યા છે. શહેરમાં આવેલા તમામ ડીમાર્ટ, નેશનલ હેન્ડલૂમ, રિલાયન્સ માર્ટ, બિગ બાજાર સહિતના મોલમાં લકોની ભારે ભીડ અને લાંબી લાઇનો જોવા મળી રહી છે. લોકો એક એક મહિનાની ખરીદી એકસાથે કરી રહ્યા છે. જેની અંદર કરિયાણુ અને જીવન જરુરિયાતની વસ્તુઓ સામેલ છે. જો કે અમદાવાદ મહાનગપાલિકા દ્વારા ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે ખોટા સમાચારો પર વિશ્વાસ ના કરો. લોકડાઉન લગાવવાનું કોઇ પ્લાનિંગ નથી. માત્ર મોલ અને મલ્ટીપ્લેક્સ શનિવાર અને રવિવારે બંધ રહેશે. જો કે એએમસી ભલે ગમે તેટલી સ્પષ્ટતા કરે પરંતુ લોકોના મનમાં ડર તો છે જ. જેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. ગયા વખતે લોકડાઉનમાં જે રીતે લોકોએ હેરાન થવાનો વારો આવ્યો હતો તેને ધ્યાનમાં રાખીને લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે.