પાકિસ્તાનથી મળી રહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને પાકિસ્તાને રાવલપિંડીની આર્મી હોસ્પિટલથી બહાવલપુર શિફ્ટ કરી દીધો છે, જેને જૈશનું હેડક્વાટર માનવામાં આવે છે. અઝહર મસૂદ ઘણા સમયથી બીમાર હતો અને હવે તેની તબિયતમાં સુધારો થયો છે, આથી તે પોતાના હેડક્વાટર પહોંચી ગયો છે. જણાવી દઈએ કે, જૈશનું આ હેડક્વાટર બાલાકોટથી આશરે 750 કિમી દૂર છે. બાલાકોટમાં ઈન્ડિયન એરફોર્સે 1000 કિલો બોમ્બમારો કર્યો હતો, જેમાં ઘણા આતંકીઓ માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. તો તમે પણ જાણી લો આ જગ્યાની કેટલીક અજાણ્યી વાતો, જ્યાં મસૂદ અઝહર રહી રહ્યો છે.
જૈશ-એ-મોહમ્મદનું આ હેડક્વાટર અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે. અહીં સ્વિમિંગ પુલથી લઈને જીમ જેવી સુવિધાઓ પણ છે.
બહાવલપુરમાં જૈશના આ હેડક્વાટરને આતંકીઓની નર્સરી પણ કહેવામાં આવે છે, બાલાકોટમાં મોકલતા પહેલા આતંકીઓની બહાવલપુરમાં જ ટ્રેનિંગ થાય છે. 3 એકરમાં ફેલાયેલા જૈશના આ હેડક્વાટરને બનાવવાની શરૂઆત 2012માં થઈ હતી. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફના કાર્યકાળ દરમિયાન 2015માં આતંકીઓનો આ કેમ્પ શરૂ થઈ ગયો હતો.