વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનાએ ૧૦ રૂપિયામાં જમવાની થાળી આપવાનું વચન આપ્યું હતું. આ વચન પૂર્તિ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી કરાશે. શિવભોજન યોજનાને ૨૬ જાન્યુઆરીથી રાજ્યભરમાં અમલમાં લાવવાનો આદેશ રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે આપ્યો હતો. આજે પ્રધાનમંડળની બેઠકમાં શિવભોજનની યોજના સંબંધે સર્વેક્ષણ લીધું હતું.
૨૬જાન્યુઆરીથી આ યોજના શરૂ કરવાનો મુખ્ય પ્રધાને નિર્દેશ આપ્યો હતો. ગરીબ જનતા માટે શિવસેનાના બહુચર્ચિત ૧૦ રૂપિયાની જમવાની થાળીનો માર્ગ આખરે મોકળો બન્યો છે. આ અંગેના નિર્ણયને પ્રધાનમંડળમાં સ્વીકૃતી મળ્યા બાદ શાસને જાહેર કર્યો છે. આથી રાજ્યમાં લગભગ ૧૮ હજાર શિવભોજન કેન્દ્ર ઉભા કતરશે. તે પૈકી તળમુંભઇમાં ૪૫૦ અને ઉપનગરમાં ૧૫૦૦ મળીને કુલ ૧૯૫૦ ભોજન કેન્દ્ર મુંબઇભરમાં ઉભા કરાશે. જ્યારે પુણેમાં ૧૫૦૦ અને થાણેમાં ૧૩૫૦ કેન્દ્ર ઉભા કરાશે. દસ રૂપિયામાં ભોજનની થાળી આપવા માટે શરૂઆતમાં ત્રણ મહિનામાં લગભગ ૬ કરોડ ૪૮ લાખ રૂપિયા જેટલો ખર્ચ અપેક્ષિત હોવાનું જાહેર કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ પર મહારાષ્ટ્રમાં ૧૦ રૂપિયાની થાળી આપવામાં આવશે એવી ઘોષણા કરી હતી. મહાવિકાસ આઘાડી સરકારની રચના કર્યા બાદ મિનિમમ સમાન કાર્યક્રમ અંતર્ગત ઘોષણાનો પુનરુચ્ચાર કરાયો હતો. આથી મહારાષ્ટ્રનું લક્ષ આ યોજના તરફ કેન્દ્રીત હતું. આ અંગેના નિર્ણયને થોડાક દિવસ પૂર્વે પ્રધાનમંડળમાં મંજૂર કરાયો હતો. પણ ગઇકાલ (ગુરુવાર) તેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો હતો.

હાલમાં મહિલા બચત ગુ્રપ, ભોજનાલય, રેસ્ટોરન્ટ અથવા મેસ આ પૈકી સક્ષમ હોય તેને શિવભોજન યોજના ચલાવવાની તક અપાશે. મુંબઇ, થાણે રેશનીંગ વિતરણ ક્ષેત્ર, જિલ્લાસ્તરીયે અને તાલુકાસ્તરે સમિતિ તૈયાર કરાશે. આ સમિતિ સંસ્થાની પસંદગી કરશે, એવું જાહેર કરાયું હતું. આ યોજના હેઠળ મળનારી થાળીની મૂળ કિંમત શહેર વિસ્તારમાં ૫૦ રૂપિયા, ગ્રામિણ ભાગમાં ૩૫ રૂપિયા થાય છે, પરંતુ ગ્રાહકો પાસે થાળી દીઠ ૧૦ રૂપિયા લેવાશે. બાકીની રકમ સરકાર તેઓને અનુદાન સ્વરૂપે આપશે.
પ્રત્યેક કેન્દ્ર પર ૧૫૦ થાળી મળશે. રાજ્ય સરકારે જાહેર કરેલા જી.આર અનુસાર બપોરે ૧૨ વાગ્યાથી ૨ વાગ્યા સુધી આ યોજનાનો લાભ મળશે. જે ઠેકાણે આ યોજના શરૂ કરાશે તેના કર્મચારીઓને સવલતના દરે જમણ આપવાનું ફરજિયાત કરાયું છે.
શિવભોજનની થાળી: પ્રત્યેક થાળીમાં ૩૦ ગ્રામની બે રોટલી, ૧૦૦ ગ્રામ શાક, ૧૦૦ ગ્રામ ભાત, ૧૦૦ ગ્રામ વરણ (દાળ) હશે. જેની કિંમત માત્ર ૧૦ રૂપિયા હશે.