વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ સહીત બે દિવસ વરસાદ રહેશે. 5 દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે વરસાદ નહીં થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ત્રણ દિવસના ભારે ઉકળાટ બાદ ગઇ કાલે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. લોકો અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં. ત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં મોડી રાત્રે ગાજવીજ અને પવન ફૂંકાવા સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. દાહોદમાં રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દાહોદ શહેર તેમજ ગરબાડા, લીમખેડા, સિંગવડ સહિત આસપાસના વિસ્તારમાં સારો એવો વરસાદ વરસ્યો હતો. દાહોદમાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સારા વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.