મોદી સરકાર જાહેર ક્ષેત્રની બેન્કો બાદ હવે સરકારી માલિકીની જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં મૂડી ઠાલવવાની યોજના બનાવી છે. જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ જેવી કે નેશનલ ઇન્સ્યોરન્સ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં રૂ. 12,000 કરોડનું મૂડીકરણ કરવામાં આવશે અને તેનાથી આ વીમા કંપનીઓની આર્થિક સ્થિતિ સુદ્રઠ થવાની સાથે તેઓ રેગ્યુલેટરી નોર્મ્સનું પાલન કરવા સક્ષમ બનશે એવું ઘટનાક્રમની માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું.

બજેટમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. 70,000 કરોડના રિકેપિટલાઇઝેશનની જોગવાઇ કરવામાં આવી છે જેમાંથી રૂ. 55,250 કરોડનું ભંડોળ કેટલીક સરકારી બેન્કોમાં ઠાલવવાની જાહેરાત ગત સપ્તાહે કરવામાં આવી હતી. આ મૂડીકરણનો ઉદ્દેશ્ય રેગ્યુલેટરી નોર્મ્સનું પાલન અને ધિરાણપાત્ર ભંડોળ વધારીને અર્થતંત્રને વેગવંતુ બનાવવાનો છે. ફાઇનાન્સિયલ સર્વિસિસના નોડલ ડિપાર્ટમેન્ટે ત્રણ સરકાર દ્વારા સંચાલિત વીમા કંપનીઓમાં રૂ. 12,000 કરોડની મૂડી ઠાલવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે કારણ કે આ ઇન્સ્યોરન્સ કંપનીઓની નાણાંકીય સ્થિતિ અત્યંત કથળેલી છે.

ગત વર્ષે બજેટમાં ઉપરોક્ત ત્રણેય સરકારી માલિકીની સામાન્ય વીમા કંપનીઓનું મર્જર કરીને તેમનું સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાવવાની યોજના જાહેર કરાઇ હતી. જો કે કંપનીઓની કથળેલી આર્થિક સ્થિતિ સહિત અન્ય કારણોસર આ વીમા કંપનીઓનું મર્જર થઇ શક્યું નહીં. લિસ્ટિંગ માટે 1.5 સોલ્વન્સી રેશિયોની આવશ્યકતા હોય છે, જે વર્તમાનમાં ઉપરોક્ત બે કંપનીઓના કિસ્સામાં નથી.

સુત્રોએ જણાવ્યું કે, ઉપરોક્ત ત્રણેય સામાન્ય વીમા કંપનીઓમાં લગભગ રૂ. 12થી 13 000 કરોડની મૂડી ઠાલવવામાં આવશે જેથી તેમનો સોલ્વન્સી રેશિયો વધારી શકાય અને તેમના મર્જરની કામગીરીને આગળ વધારી શકાય. નોંધનિય છે કે વર્ષ 2017માં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની અને જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરાયું હતું અને તે વખતે તેમનો મહત્તમ હિસ્સો વેચી દેવાયો હતો. ઉલ્લેખનિય છે કે સરકારે બજેટમાં ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ની માટે રૂ. 1.05 લાખ કરોડનો ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે.