સરકારની સ્ટ્રેટેજી એક નહીં પણ બે રસ્તેથી ચીનના સામાનની ભારતમાં એન્ટ્રી મામલે સખતાઈ વરતવાની છે. સરકાર ‘ક્વોલિટી કંટ્રોલ’ દ્વારા ચીનના સામાન પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે. જાણવા મળ્યા મુજબ ગ્રાહક મંત્રાલય અંતર્ગત આવતું BIS એટલે કે ભારત માનક બ્યુરો ચીનથી ઈમ્પોર્ટ થતા સામાનની લાંબી યાદી તૈયાર કરી રહ્યું છે. ત્યાર બાદ તે માટેના ધોરણો વધુ આકરા કરવાની તૈયારી છે જેથી ચીન ભારતને ખરાબ ગુણવત્તાનો માલ ન વેચી શકે. સરકાર સતત એવા પગલા ભરી રહી છે જેથી આર્થિક મોરચે ચીનની કમર તોડી શકાય. એટલું જ નહીં, સરકારના આ નિર્ણયોના કારણે ભારત આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આ કડીમાં જ આગળ મોદી સરકાર ઝડપથી ચીનથી મોટા પાયે ઈમ્પોર્ટ થઈ રહ્યા છે તેને ઘટાડવા આકરા પગલા ભરવા જઈ રહી છે.
એક અહેવાલ પ્રમાણે તમામ મંત્રાલયોએ પોતાના તરફથી ચીનથી આયાત થતા સામાનની યાદી BISને સોંપી દીધી છે અને બ્યુરો હવે આ પ્રોડક્ટ્સ માટેના ધોરણો આકરા કરીને ચીનના રસ્તામાં વધુ મુશ્કેલી સર્જવા જઈ રહ્યું છે. માર્ચ 2021 સુધીમાં ચીનથી આયાત થતા તમામ સામાન માટે ધોરણો નિર્ધારિત કરી દેવામાં આવશે.
આ એક્શન દ્વારા ભારત સરકાર કાચા માલ અને અન્ય સામાનો માટે ભારતની ચીન પરની નિર્ભરતા ઘટાડવા માંગે છે. સરકારના આ પગલાથી દેશના નાના અને મધ્યમ વેપારીઓને ખૂબ ફાયદો થશે અને ચીનને આર્થિક મોરચે પાઠ ભણાવી શકાશે.
આ સાથે જ દેશના સાત મોટા બંદરો પર સરકાર નજર રાખી રહી છે. BISના અધિકારીઓ કસ્ટમના અધિકારીઓ સાથે મળીને 7 મોટા પોર્ટ પર ચીનથી આયાત થતા સામાન પર નજર રાખી રહ્યા છે. તેમાં બિનઅધિકૃત કે ધોરણોમાં ખરા ન ઉતરતા સામાન સામે સતત એક્શન લેવામાં આવી રહી છે.