કેન્દ્રીય મંત્રી મંડળમાં ચિકિત્સા ગર્ભપાત સંશોધન વિધેયક-2020ને બુધવારે મંજૂરી મળી ગઈ છે. જેમાં ગર્ભપાત કરાવવાની સમય મર્યાદા 20 અઠવાડિયાથી વધારીને 24 સપ્તાહ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી મંત્રી મંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવ માટે ગર્ભપાત અધિનિયમ (મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ) 1971માં સંશોધન કરવામાં આવશે. આ માટે સંસદના આગામી સત્રમાં ઠરાલ લાવવામાં આવશે.
આ માટે બે ડૉક્ટરોની મંજૂરી લેવાની રહેશે. જેમાં એક ડૉક્ટર સરકારી હશે. જો ગર્ભમાં કોઈ વિકૃતિ છે, તો તે માટે મેડિકલ બોર્ડની જોગવાઈ રહેશે.
આ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મીડિયાને જણાવ્યું કે, મંત્રી મંડળે ગર્ભપાત કરાવવાની મંજૂરી માટે સમય મર્યાદા 20 અઠવાડિયાથી વધારીને 24 સપ્તાહ કરવાની મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 20 સપ્તાહમાં ગર્ભપાત કરાવા પર માતાના જીવ ગયો હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આથી 24 સપ્તાહે ગર્ભપાત કરાવવો સુરક્ષિત રહેશે.