વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરવાના છે. તેમનું ભાષણ સાંજે 7:50 કલાકે શરૂ થશે. કહેવામાં આવે છે કે, PM મોદી આ મંચ પરથી સમગ્ર વિશ્વને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ માટે એકજૂટ કરશે. વડાપ્રધાન મોદી બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું પણ ભાષણ છે.
શું કહેશે PM મોદી?
તાજેતરમાં હ્યુસ્ટનમાં યોજાયેલી “હાઉડી મોદી” કાર્યક્રમમાં પણ PM મોદીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે, આતંકવાદ વિરૂદ્ધ નિર્ણાયક લડાઈ લડવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં PM મોદી ફરીથી પાકિસ્તાન પર પ્રહાર કરી શકે છે. “હાઉડી મોદી” કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું કે, ભારતના નિર્ણયથી (કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબુદ કરવાનો ઐતિહાસિક નિર્ણય) તેમને તકલીફ થઈ રહી છે. આ એજ લોકો છે, જે આતંકવાદને સમર્થન આપે છે અને તેનું પોષણ કરે છે.
શું કહેશે ઈમરાન ખાન?
બીજી તરફ ઈમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી એક વખત કાશ્મીર રાગ આલાપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન પાસે કાશ્મીર મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવાની આ અંતિમ તક હશે. આ મુદ્દા પાકિસ્તાનને અત્યાર સુધી દરેક મોરચે નિરાશા સાંપડી છે.
શું બોલ્યા હતા ટ્રમ્પ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ હથિયારોથી સજ્જ દેશો છે અને એવામાં બન્ને દેશોએ કાશ્મીરના મુદ્દે સમાધાન કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે, અમેરિકા બન્ને દેશો વચ્ચે આ વિવાદ ઉકેલવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે.
ભારતનો આંતરિક મામલો
ભારતનું માનવું છે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. આ મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો હોવાથી અન્ય કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ ભારતને મંજૂર નથી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જણાવ્યું કે, આ મુદ્દે વડાપ્રધાન અને વિદેશ સચિવ પહેલા જ પોતાનો મત જણાવી ચૂક્યા છે.