વિદેશ મંત્રાલયે લોકસભામાં જણાવ્યુ કે કુલ 72 ભારતીય જેમની પર નાણાકીય ગેરરીતીનો આરોપ છે અત્યારે વિદેશમાં છે અને તેમને પરત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર આ આંકડા વર્ષ 2015 બાદના છે અને આરોપીઓ વિરૂદ્ધ તપાસ ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે વિવિધ તપાસ એજન્સીઓપાસેથી મળેલી સૂચનાના આધાર પર લોકસભામાં આ જાણકારી આપી છે.
લોકસભામાં એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે આરોપીઓ વિરૂદ્ધ લુક આઉટ સર્કુલર, રેડ કોર્નર નોટિસ અને સબંધિત દેશો સાથે પ્રત્યાર્પણની અપીલ કરવામાં આવી છે. જરૂરી કેસમાં Fugitive Economic Offenders Act,2018 (FEOA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે કેટલાક મામલે આરોપીઓના પ્રત્યર્પણના પ્રયાસ પણ થઇ રહ્યા છે પરંતુ આ કાયદાકીય રીતે મુશ્કેલ હોય છે.
સરકારે જણાવ્યુ કે નાણાકીય ગેરરીતી કરી વિદેશ ભાગનારા આરોપીઓમાં પુષ્પેષ વૈદ, આશીષ જોબનપુત્રા, વિજય માલ્યા, સન્ની કાલરા, સંજય કાલરા, એસકે કાલરા, આરતી કાલરા, વર્ષા કાલરા, જતિન મેહતા, ઉમેશ પારેખ, કમલેશ પારેખ, નિલેશ પારેખ,એકલવ્ય ગર્ગ, વિનય મિત્તલ, નીરવ મોદી, નીશાલ મોદીનું નામ સામેલ છે.
આ સિવાય મેહુલ ચોક્સી, સબ્ય સેઠ, રાજીવ ગોયલ, અલ્કા ગોયલ, લલિત મોદી, નિતિન જયંતીલાલ સંદેસારા, દીપ્તીબેન ચેતન કુમાર સાંદેસરા, રિતેશ જૈન, હિતેશ એન પટેલ, મયૂરીબેન પટેલ અને પ્રીતિ આશીષ જોબનપુત્રાનું નામ પણ સામેલ છે.
વિજય માલ્યા ભારતના પ્રત્યર્પણ માટે બ્રિટનમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ નીરવ મોદી બ્રિટનની જેલમાં બંધ છે. તાજેતરમાં બ્રિટનની કોર્ટે વિજય માલ્યાની ફોર્સ ઇન્ડિયાના સ્વામિત્વ ધરાવતી લક્ઝરી યૉટને વેચવાનો આદેશ આપ્યો હતો. યૉટ વેચીને મળેલી રકમને કતર નેશનલ બેન્કને ચુકવણી કરવામાં આવશે. વિજય માલ્યા અને સિદ્ધાર્થ માલ્યા આ યૉટના માલિક છે.
ગત વર્ષે 4 જાન્યુઆરીએ તત્કાલીન નાણા રાજ્ય મંત્રી એસપી શુકલાએ લોકસભામાં જાણકારીમાં જણાવ્યુ હતું કે ગત 5 વર્ષ દરમિયાન 27 બિઝનેસમેન અને આર્થિક અનિયમિતતાના આરોપી દેશ છોડીને ભાગી ગયા છે. મહત્વપૂર્ણ છે કે વિજય માલ્યા પર દેશની વિવિધ બેન્કોના આશરે 9 હજાર કરોડ રૂપિયાબાકી છે. બીજી તરફ નીરવ મોદી પીએનબીમાં આશરે 13 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપી છે.