નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ થયા બાદથી સતત ભારે ભરખમ ચાલાનની ખબરો આવી રહી છે. હવે આવો જ એક કિસ્સો દિલ્હીનો સામે આવ્યો છે. અહીં દેશમાં સૌથી મોંઘુ ચાલાન એક ટ્રકનું કાપવામાં આવ્યું છે. રાજસ્થાનના એક ટ્રકનું અહીં ઓવરલોડીંગના ગુનામાં 1.41 લાખ રૂપિયાનું ચાલાન કાપવામાં આવ્યું છે.
ટ્રક માલિકે 1.41 લાખ રૂપિયાનું ચાલાન દિલ્હીના રોહિણી કોર્ટમાં ભરવામાં આવ્યું છે. ભગવાન રામ નામના ટ્રક માલિકે એટલી મોટી રકમ દંડ તરીકે ભરી છે કે તે દેશનો પહેલો ટ્રાન્સપોર્ટર બની ગયો છે જેણે આટલી મોટી રકમ દંડ પેટે ભરી છે.
અગાઉ દેશમાં સૌથી મોંઘુ ચાલાન હરિયાણામાં કાપવામાં આવ્યું હતુ. ત્યાં દિલ્હીના એક ટ્રકને ઓવરલોડિંગના ગુનામાં 1.16 લાખ રૂપિયાનું ચાલાન કાપવામા આવ્યું હતુ. આ ઘટનામાં એક રસપ્રદ વાત એ છે કે જ્યારે માલિકે ડ્રાઇવરને પૈસા આપીને ચાલાન ભરવા કહ્યું તો ડ્રાઇવર આટલી મોટી રકમ મેળવીને ચાલાન ભરવાના બદલે ફરાર થઇ ગયો.
આ મામલે પોલીસે કહ્યું કે ડ્રાઇવર ટ્રક માલિકને પાઠ ભણાવવા માગતો હતો. પોલીસે જણાવ્યું કે આટલી મોટી રકમનું ચાલાન કપાવાના કારણે માલિકે ડ્રાઇવરને લાફો માર્યો હતો. તેનાથી નારાજ ડ્રાઇવર ટ્રક માલિકને પાઠ ભણાવવા માટે રૂપિયા લઇને ફરાર થઇ ગયો. જો કે ડ્રાઇવરને પોલીસે ઝડપી લીધો અને તેની પાસેથી રૂપિયા પણ મળી આવ્યાં છે.
જણાવી દઇએ કે મોટર વ્હીકલ એક્ટમાં બદલાવ બાદ હવે દંડની રકમ અનેકગણી વધી ગઇ છે. હવે ઓવરલોડિંગ પર પેનલ્ટી બે હજાર રૂપિયાથી વધારીને 20 હજાર રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે જ પહેલા જ્યાં એક ટન એક્સ્ટ્રા ભારનો પહેલાં એક હજાર રૂપિયા દંડ ભરવો પડતો હતો તે હવે 2 હજાર રૂપિયા પ્રતિ ટન થઇ ગયો છે.