મધ્ય પ્રદેશ માં રાજકીય સ્ટંટ માં હવે કોંગ્રેસે પણ શતરંજ ના પાસા ફેંકવાની શરૂઆત કરી છે અહીં 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ અગ્રણીઓ એલર્ટ મોડ પર આવી ગયા છે અને સીએમ હાઉસમાં થયેલી ધારાસભ્ય પક્ષની બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથે ધારાસભ્યોને કહ્યું હતું કે હજુપણ આપણે ફ્લોર ટેસ્ટ પર બહુમતી સાબીત કરી શકીશું. કમલનાથનો દાવો છે કે, બેંગલુરુ ગયેલા 19 ધારાસભ્યો તેઓના સંપર્કમાં છે. પાર્ટી સીનિયર્સે આ ધારાસભ્યોને પરત લાવવાની જવાબદારી બેંગલુરુમાં કોંગ્રેસના સીનિયર નેતા ડીકે શિવકુમારને સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ 19 ધારાસભ્યો ભોપાલ પરત આવી જશે. પાર્ટીએ ભોપાલમાં સ્થિતિ સંભાળવા માટે ત્રણ મહાસચિવોને પણ મોકલ્યા છે.
અગ્રણી નેતાઓએ દિલ્હીથી પ્રદેશ પ્રભારી દીપક બાવરિયા, મહાસચિવ મુકુલ વાસનિક અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતને ભોપાલ મોકલવાનો નિર્ણય કર્યો છે. તેઓ આજે ભોપાલ પહોંચશે. તેમને કોંગ્રેસ ધારાસભ્યો સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ત્રણેય નેતાઓ આગામી થોડા દિવસ ભોપાલમાં જ રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ તેમના ધારાસભ્યોને રાજસ્થાન પણ મોકલી શકે છે.
ડીકે શિવકુમાર બેંગુલુરુમાં રોકાયેલા પક્ષના ધારાસભ્યોના સંપર્કમાં છે. માનવામાં આવે છે કે, તેઓ ધારાસભ્યોને મનાવ્યા પછી તેમને લઈને પહેલાં દિલ્હી અને પછી ભોપાલ જઈ શકે છે. કમલનાથ પણ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે અને તેઓ આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે. આમ જો કોંગ્રેસ આ નેતાઓ ને પરત લાવવામાં સફળ રહેશે તો તેઓ હજુપણ બાજી મારી શકે તેમ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
