મધ્યપ્રદેશ માં રાજકીય જંગ બરાબર નો જામ્યો છે અને શામ , દામ , દંડ અને ભેદ ની નિતિરિતી રંગ લાવી રહી છે.હાલ માં રાજ્યસભામાં ચૂંટણી નજીક આવતા જ આ જંગ શરૂ થયો છે, ડેપ્યૂટી સીએમ અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ, આ બંને પદ ન મળવાના કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા છેલ્લા ઘણાં સમયથી નારાજ હતા. જ્યારે રાજ્યસભા ચૂંટણીમાં તેમની દાવેદારી ઉપર પણ કમલનાથ જૂથે કબજો જમાવવાનો પ્રયાસ કરતાં તેમણે પાર્ટી છોડી દીધી છે. ત્યારબાદ સિંધિયા સમર્થક 22 કોંગ્રેસ ધારાસભ્યોએ વિધાનસભા સભ્યપદ પરથી રાજીનામુ આપી દીધું છે. કોંગ્રેસ નેતાઓની નારાજગી અને બળવાખોરી હવે રાજીનામામાં ફેરવાઈ જતા સૌની નજર રાજ્યસભાની ચૂંટણી પર જ છે. હાલના ઘટનાક્રમમાં સ્પીકર અને રાજ્યપાલની ભૂમિકા પણ મહત્વની થઈ ગઈ છે.
મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની કુલ 11 સીટ છે. અત્યારે ભાજપ પાસે 8 અને કોંગ્રેસ પાસે 3 સીટ છે. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રભાત ઝા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જટિયાનો રાજ્યસભામાં કાર્યકાળ 9 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આ ત્રણેય સીટ પર 26 માર્ટે ચૂંટણી થવાની છે. મધ્ય પ્રદેશની 230 સભ્યોવાળી વિધાનસભામાં અત્યારે 228 ધારાસભ્યો છે. 2 ધારાસભ્યોના નિધન પછી 2 સીટ ખાલી છે. પરંતુ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડતા જ પક્ષના 22 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.ત્યારે જો કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા મંજૂર થયા તો
વિધાનસભામાં સભ્યોની સંખ્યા 206 થઈ જશે. રાજ્યસભાની સીટ જીતવા માટે એક ઉમેદવારને 52 વોટની જરૂર પડે છે. ભાજપ પાસે 107 અને કોંગ્રેસ પાસે સમર્થકોના મળીને 99 વોટ છે. વોટિંગ થવાથી ભાજપને 2 સીટ સરળતાથી મળી જશે. કોંગ્રેસે 1 સીટથી સંતોષ માનવો પડશે. તે સાથે તેમની સરકાર પણ સત્તામાં નહીં રહે. ભાજપના 2 ધારાસભ્યો કમલનાથના સંપર્કમાં છે. જો તેઓ ક્રોસ વોટિંગ કરશે તો પણ કોંગ્રેસને ફાયદો નહીં થાય અને જો કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા મંજૂર ન થયા તો રાજ્યસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વ્હિપ જાહેર કરશે. જો કોંગ્રેસના 22 ધારાસભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈને ક્રોસ વોટિંગ કર્યું તો સ્પીકર તેમને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય કરી શકે છે. આ સંજોગોમાં પણ ભાજપને ફાયદો થશે. તેમને રાજ્યસભાની 2 સીટો મળી જશે. સરકાર અલ્પમતમાં રહેશે અને કમલનાથે રાજીનામુ આપવું પડશે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઘટીને 206 થઈ જશે. આ સંજોગોમાં ભાજપ બહુમતીનો 104નો આંકડો સરળતાથી મેળવી શકશે. રાજ્યસભા ચૂંટણી માટે વોટિંગ દરમિયાન કોંગ્રેસના 22 ધારાસભ્યો ગેરહાજર રહેશે તો પણ કોંગ્રેસના વ્હિપનું ઉલ્લંઘન થતું હોવાથી સ્પીકર તેમને અયોગ્ય જાહેર કરી શકે તેવી હાલ સ્થિતિ નિર્માણ પામી છે,ત્યારે કોંગ્રેસ ના ધારાસભ્યો ને મનાવવા માટે હજુ 15 દિવસ નો સમય કોંગ્રેસ પાસે છે ત્યારે રાજકારણ ના આ ચક્રવ્યૂહ માં કોણ બાજી મારે છે તેતો સમય જ બતાવશે.
