ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે. ફોર્બ્સની મંગળવારે જારી થયેલી વર્ષ ૨૦૧૯ની ટોચના અમીરોની યાદી ફોર્બ્સ વર્લ્ડસ બિલિયોનેર લિસ્ટમાં મુકેશ અંબાણીએ છ ક્રમ આગળ વધીને દુનિયાના ૧૩મા સૌથી અમીર વ્યક્તિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. જો કે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે એમેઝોનના સ્થાપક જેફ બેજોસ પ્રથમ ક્રમે યથાવત્ રહ્યા છે. ફોર્બ્સે કહ્યું હતું કે દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસે કુલ ૧૩૧ અબજ ડોલરની મિલકત છે અને એક વર્ષમાં તેમની કુલ મિલકતમાં ૧૮ અબજ ડોલરનો વધારો થયો છે. તેના પછી બિલ ગેટ્સ અને વોરન બફેટનો નંબર આવે છે.
૬૧ વર્ષીય મુકેશ અંબાણીની દોલતમાં ખાસ્સો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૮માં તેમની કુલ મિલકત ૪૦.૧ અબજ ડોલર હતી, જે ૨૦૧૯માં વધીને ૫૦ અબજ ડોલર થઈ છે. તેના આધારે તેઓ છ ક્રમની છલાંગ લગાવીને દુનિયાના ૧૩મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. ફોર્બ્સે કહ્યું છે, ‘અંબાણી ભારતની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન છે. તેમની ઓઈલ એન્ડ ગેસ કંપનીની વાર્ષિક રેવન્યૂ લગભગ ૬૦ અબજ ડોલરની છે. વર્ષ ૨૦૧૬માં રિલાયન્સે પોતાની ૪જી સર્વિસ કંપની જિયોના લોન્ચિંગ સાથે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પ્રાઈસવોર છેડ્યું હતું.’ જિયો પોતાની ફ્રી ડોમેસ્ટિક વોઈસ કોલ્સ, સસ્તી ડેટા સર્વિસીસ અને લગભગ ફ્રી સ્માર્ટફોનની ઓફરના આધારે પોતાની સાથે ૨૮ કરોડ ગ્રાહકોને જોડવામાં સફળ રહી છે. મૂકેશ અંબાણી ફોર્બ્સની આ યાદીમાં સામેલ ૧૦૬ ભારતીય અબજપતિઓમાં ટોચ પર છે. જ્યારે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ આ યાદીમાં ત્રણ ક્રમ નીચે ઉતર્યા છે.