વિસ્તારાની મુંબઈથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટના 153 પ્રવાસીઓનો જીવ એ સમયે ખતરામાં પડ્યો જ્યારે લગભગ ચાર કલાકના ઉડ્ડયન બાદ વિમાનના ફ્યૂલ ટેંકમાં ફક્ત પાંચ મિનિટ ચાલે તેટલું જ ઈંધણ બચ્યું હતું. દિલ્હી જઈ રહેલા વિમાનને પહેલા લખનઉ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને પ્રયાગરાજ ડાયવર્ટ કરાયું હતું. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ તેને ફરીથી લખનઉ પરત ફરવું પડ્યું હતું.
લો વિઝિબિલિટીના કારણે લેન્ડિંગ કરવામાં તકલીફ પડી રહી હતી અને આખરે પાયલટે ઈમરજન્સી મેસેજ મોકલીને વિમાનનું લખનઉ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાન જ્યારે એરપોર્ટ પર ઉતર્યું ત્યારે ફ્યૂલ ટેન્ક સંપૂર્ણ પણે ખાલી થઈ ગઈ હતી. યોગ્ય હવામાન અને લખનઉ એર ટ્રાફિક કંટ્રોલરની મદદના કારણે વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા બચી ગયું હતું.
લખનઉથી પ્રયાગરાજના બમરૌલી એરપોર્ટથી લગભગ 200 કિલોમીટર દૂર જતા જ વિમાનમાં જરૂરી ઈંધણ નહતું. ફ્લાઈટ રડાર 24ની માહિતી અનુસાર પ્રયાગરાજના રસ્તામાં સાત મિનિટ સુધીનું અંતર કાપ્યા બાદ વિમાનને લખનઉ પરત ફરવું પડ્યું હતું જ્યાં 20 મિનિટની અંદર-અંદર વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું.