વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વિપક્ષ પર લોકોમાં ડર ફેલાવવાનો અને નાગરિકતા સુધારા કાયદા અંગે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે તેમની સરકારની યોજનાઓમાં ક્યારેય ધર્મના આદારે ભેદભાવ નથી કરાયો. નાગરિકતા કાયદાનો દૃઢતાથી બચાવ કરતાં તેમણે દાવો કર્યો કે નાગરિકતા કાયદા અને એનઆરસીને ભારતીય મુસ્લિમો સાથે કોઈ લેવા-દેવા નથી.
તેમણે લોકોને ‘ઉશ્કેરવા’ અને પોતાને નિશાન બનાવવા માટે દેશનું વિભાજન કરવાનો પ્રયાસ કરવા બદલ વિપક્ષની ઝાટકણી કાઢી હતી. રામલીલા મેદાનમાં એક મોટી રેલીને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ રવિવારે પહેલી વખત નાગરિકતા કાયદા મુદ્દે લોકોમાં ફેલાયેલા ડર અને ભ્રમને દૂર કરવા માટે નિવેદન કર્યું હતું.
વડાપ્રધાને રામલીલા મેદાન ખાતે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવા બદલ યોજાયેલી ધન્યવાદ રેલી મારફત નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એકબાજુ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી તો બીજીબાજુ તેમણે નાગરિકતા સુધારા કાયદા અને એનઆરસી અંગે સૌપ્રથમ વખત નિવેદન આપ્યું હતું.
તેમના લગભગ 100 મિનિટના ભાષણમાં સતત વિપક્ષ પર હુમલો કરતાં મોદીએ તેમના સત્તા પર પાછા આવવાથી વિપક્ષને આઘાત લાગ્યો હોવાનો દાવો કર્યો હતો. તેમણે ‘વિવિધતા મેં એકતા, ભારત કી વિશિષ્ટતા’ સૂત્રથી ભાષણની શરૂઆત કરી હતી.