આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens)ની યાદી જાહેર થતાં પહેલા લોકોમાં તણાવ વધી ગયો છે. એનઆરસીની ફાઇનલ યાદી (NRC Final List) આજે સવારે 10 વાગ્યે ઓનલાઇન જાહેર કરવામાં આવશે. આ યાદીમાં આસામના 41 લાખથી વધુ લોકોના ભાગ્યનો નિર્ણય થશે કે તેઓ દેશના નાગરિક છે કે નહીં. હાલ આ લોકોનું ભવિષ્ય અધરમાં લટકેલું છે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે લોકોને શાંતિ અને ભાઈચારો કાયમ રાખવાની અપીલ કરી છે.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NRCની યાદી શનિવાર સવારે 10 વાગ્યા સુધી ઓનલાઇન ઉપલબ્ધ થઈ જશે. જેની પાસે ઇન્ટરનેટ નથી, તે લોકો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેવા કેન્દ્રોમાં જઈને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. બીજી તરફ, કોઈ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારના અનુરોધ પર 51 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.
31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી યાદી
એનઆરસીની આ ફાઇનલ યાદી 31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઑથૉરિટીએ તેને 31 ઑગસ્ટ સુધી લંબાઈ દીધી હતી. આ પહેલા 2018માં 30 જુાલઈએ એનઆરસીની ફાઇનલ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. યાદીમાં સામેલ ન થયેલો લોકોને ફરી વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપ્યો હતો.