નિર્ભયા કેસમાં દોષીત જાહેર કરાયેલા અક્ષય કુમાર સિંઘે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. 2017માં સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો તે અંગે કોર્ટ ફેરવિચારણા કરે તેવી માગણી કરવામાં આવી હતી. આ રિવ્યૂ પિટિશનને લઇને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઇ હતી. જોકે મુખ્ય ન્યાયાધીશ એસ એ બોબ્ડેએ પોતાને આ રિવ્યૂ પિટિશનની સુનાવણીમાંથી રેસ્ક્યૂ કરી લીધા હતા. મુખ્ય ન્યાયાધીશ બોબડે, ન્યાયાધીશ આર ભાનુમતી, અશોક ભૂષણની બેંચે એવી સ્પષ્ટતા કરી હતી કે અમારી બેંચ સમક્ષ નહીં પણ અન્ય બેંચ સમક્ષ આ કેસની સુનાવણી થશે, તેથી આવતી કાલે સવારે 10.30 કલાકે અન્ય બેંચ દ્વારા આ મામલે હવે સુનાવણી કરવામાં આવશે.

આ અંગે સ્પષ્ટતા કરતા સીજેઆઇ બોબડેએ કહ્યું હતું કે મારા એક સગાએ પીડિતાની માતા વતી આ કેસમાં દલિલો કરી હતી તેથી હું આ કેસની સુનાવણી કરૂં તે યોગ્ય નહીં રહે, અન્ય બેંચનું ગઠન કરવામાં આવશે જે આવકી કાલે સવારે 10.30 કલાકે સુનાવણી કરશે. અરજદાર અક્ષયે રિવ્યૂ પિટિશનમાં દિલ્હીમાં પ્રદુષણ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે જ્યારે પ્રદુષણને કારણે આમ જ દિલ્હીમાં લોકોની ઉંમર ઘટી રહી છે તો આવી સિૃથતિમાં ફાંસીની સજા આપવી કેટલી યોગ્ય રહેશે? જ્યારે અન્ય એક દોષીત વિનયે દયા અરજીને પરત લેવાની માગણી કરી હતી.

અન્ય એક દોષીત રામસિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. મુકેશ, પવન અને વિનયે ગયા વર્ષે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી. બાદમાં અન્ય એક દોષીત વિનયે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી મોકલી હતી જેને પરત લેવાની માગણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આ દયા અરજી પર મારી સહી નથી.

બીજી તરફ દિલ્હીની તિહાડ જેલે દોષીતોને ફાંસીના માચડે ચડાવવાની તૈયારી કરી લીધી છે. ઉત્તર પ્રદેશના એડીજી આનંદ કુમારે કહ્યું હતું કે અમને નવ ડિસેમ્બરે ફેક્સના માધ્યમથી તિહાર જેલ દ્વારા પત્ર મળ્યો છે. જેમાં યુપીના બે જલ્લાદોની સેવા આપવાની વિનંતી કરવામાં આવી છે કેમ કે તિહાર જેલ પાસે હાલ કોઇ જલ્લાદ નથી. જોકે આ પત્રમાં દોષીતોને ફાંસીએ ચડાવવાનો કોઇ જ ઉલ્લેખ નથી તેથી એવી શક્યતાઓ છે કે નિર્ભયા કેસના દોષીતોને ગમે ત્યારે ફાંસીએ ચડાવવામાં આવી શકે છે.