નિર્ભયા ગેંગ રેપ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ તરફથી આરોપીઓને 3 માર્ચનું નવું ડેથ વૉરન્ટ ઈસ્યૂ કરવામાં આવ્યું છે. તમામ આરોપીઓને સવારે 6 વાગ્યે ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવશે. નવું ડેથ વૉરન્ટ ઈસ્યૂ થયા બાદ હવે ફરીથી એક વખત સવાલ ઉઠવા લાગ્યા છે કે, શું આરોપીઓને 3 માર્ચે ખરેખર ફાંસી થઈ જશે? આવું એટલા માટે કે અગાઉ પણ બે વખત ડેથ વૉરન્ટ રદ્દ થઈ ચૂક્યું છે. આરોપીઓને 22 જાન્યુઆરી અને પછી 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવાના ડેથ વૉરન્ટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા, પરંતુ કાનૂની દાવપેચના પગલે આ ડેથ વૉરન્ટ રદ્દ કરી દેવામાં આવ્યા હતા.
આ મામલે આરોપી મુકેશ, અક્ષય અને વિનય પાસે ફાંસીથી બચવા માટે તમામ કાયદાકીય વિકલ્પો સમાપ્ત થઈ ચૂક્યા છે. અગાઉ એક વખત અક્ષય અને પછી વિનયની દયાની અરજી રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ હોવાના કારણે ડેથ વૉરન્ટ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાની માતા આશા દેવીએ જણાવ્યું કે, આરોપીઓ કોઈને કોઈ બહાનું બનાવીને કાયદાની મજાક ઉડાવી રહ્યાં છે. દર વખતે એક નવી તારીખ મળી રહી છે. બે વખત ડેથ વૉરન્ટ ઈસ્યૂ થયા બાદ પણ આરોપીઓને ફાંસી નથી આપવામાં આવી શકી.
પવન ગુપ્તા પાસે બચ્યો એક વિકલ્પ
નિર્ભયા ગેંગ રેપ કેસમાં ગુનેગાર પવન ગુપ્તાને છોડીને તમામ આરોપીઓને દયા અરજી અને પુનર્વિચાર અરજી દાખલ કરવાના તમામ કાનૂની વિકલ્પ સમાપ્ત થઈ ચૂક્યાં છે. કોર્ટે આ મામલે હવે 14 દિવસનો સમય આપીને નવું ડેથ વૉરન્ટ ઈસ્યૂ કર્યું છે. આ 14 દિવસોમાં પવન ગુપ્તાએ આ બન્ને કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરવાનો રહેશે.