નિર્ભયાના આરોપીઓનો આજે ફાંસીનો દિવસ નક્કી થઈ જશે. તિહાડ જેલ પ્રશાસન અને નિર્ભયાનાં પરિવારો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ફરી સુનાવણી કરવામાં આવશે. અરજદારોએ તેમની અરજીમાં નિર્ભયાનાં દોષિતો સામે નવા ડેથ વોરંટની માંગ કરી છે. તિહાડ તંત્ર અને નિર્ભયાનાં માતા-પિતા ચારેય દોષીઓને ટૂંક સમયમાં ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટની માંગણી કરશે. માનવામાં આવે છે કે કોર્ટ આજે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કરી શકે છે. આપને જણાવી દઈએ કે, દોષિત પવનને સરકારી વકીલ પૂરા પાડવામાં આવ્યા છે. આજે પહેલીવાર પવનનાં વકીલ તેના માટે પૂછપરછ કરશે. પટિયાલા હાઉસ કોર્ટનાં એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા અરજીની સુનાવણી કરશે.
છેલ્લી સુનાવણીમાં અદાલતે દોષિત પવનનાં કેસની રજૂઆત કરવા માટે સરકારી વકીલ રવિ કાઝીની નિમણૂંક કરી હતી, ત્યારબાદ પવનનાં વકીલ કોર્ટમાં પહેલીવાર પૂછપરછ કરશે અને કહેશે કે પવન વતી કોઈ ક્યૂરેટિવ કે દયાની અરજી કરવામાં આવી હતી કે નહીં. આપને જણાવી દઈએ કે, નિર્ભયાનાં ચાર દોષિતો પૈકી ફક્ત પવન પાસે દયા અરજી કે ક્યૂરેટિવ અરજી મૂકવાનો વિકલ્પ છે, બાકીનાં ત્રણ દોષી વિનય, મુકેશ અને અક્ષય પાસે પોતાને ફાંસીથી બચાવવાનો કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી. જો પવનનાં વકીલો દયાની અરજી દાખલ નહીં કરે તો કોર્ટ આજે ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ ઇશ્યૂ કરી શકે છે.