દેશની રાજધાની દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા નિર્ભયા દુષ્કર્મ કાંડને લઈને મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં કોર્ટે તમામ આરોપીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ચારેય આરોપીઓની સાથે વાત કરી હતી. સુનાવણી દરમિયાન નિર્ભયાની માતા અને આરોપી મુકેશની માતા કોર્ટમાં જ રોઈ પડી હતી. નિર્ભયા મામલે ચારે આરોપીઓ મુકેશ, અક્ષય, વિનય અને પવનને હવે 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે.
નિર્ભયા દુષ્કર્મ કાંડમાં ડેથ વૉરન્ટ ઈસ્યૂ કરવાને લઈને મંગળવારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી નિર્ભયાની માતાની અરજી પર થઈ હતી. નિર્ભયાની માતાએ તમામ આરોપીઓને તાત્કાલીક ફાંસી આપવાની માંગ કરી છે. અગાઉ પટિયાલા હાઉસ કોર્ટે આરોપીઓને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો.
જ્યારે સોમવારે આ મામલે 4 આરોપીઓમાંથી એકના પિતાએ ફાંસીને ટાળવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટે આરોપી પવનના પિતાની અરજી ફગાવી હતી. આ અરજીમાં એકમાત્ર સાક્ષીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને કહેવાયું હતું કે, સાક્ષીના નિવેદનો પર વિશ્વાસ ના કરી શકાય.
ઉલ્લેખનીય છે કે, 16 ડિસેમ્બર,2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનીરકામાં એક ખાનગી બસમાં પોતાના એક મિત્ર સાથે જઈ રહી હતી. આ દરમિયાન 23 વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થીની સાથે એક સગીર સહિત 6 લોકોએ ચાલતી બસમાં સામુહિક દુષ્કર્મ આચર્યુ અને તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાંખી દીધો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ પીડિતા અને તેના પુરૂષ મિત્રને ચાલતી બસમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા.