નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપીઓને આગામી 20 માર્ચે સવારે સાડા પાંચ વાગ્યે ફાંસીના માંચડે લટકાવવામાં આવશે. . બીજી તરફ બુધવારે પવન જલ્લાદે ડમી ફાંસી આપી છે. તિહાર જેલ વહીવટી તંત્રનું કહેવું છે કે, હવે માત્ર 20 માર્ચની રાહ જોવાઈ રહી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નિર્ભયાના ગુનેગારોને ફાંસી પર લટકાવવાને લઈને પવન જલ્લાદ મેરઠથી તિહાર જેલ પહોંચી ચૂક્યો છે. અહીં તેણે આજે સવારે ડમી ફાંસી આપી હતી. જે સફળ રહી. તિહાર જેલ ઓથોરિટીનું કહેવું છે કે, ફાંસીને લઈને અમે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે અને હવે માત્ર 20 માર્ચની રાહ છે.
જણાવી દઈએ કે, અગાઉ આરોપી અક્ષયે મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ પાસે બીજી દયાની અરજી દાખલ કરી છે. જો કે આ અરજી પર રાષ્ટ્રપતિ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ આરોપી પવનકુમાર ગુપ્તાએ મંગળવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગુનો કરવા સમયે તે સગીર હતો. આથી તેની મોતની સજાને આજીવન કારાવાસમાં ફેરવવામાં આવે. બીજી તરફ આરોપી મુકેશના વકીલ એમ એલ શર્માએ મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટના સમયે આરોપી મુકેશ દિલ્હીમાં નહતો. આ ઉપરાંત નિર્ભયાના ગુનેગારોના પરિવારજનોએ રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. જ્યારે અક્ષયની પત્નીએ મંગળવારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે.