2012 દિલ્હી સામુહિક દુષ્કર્મ કાંડના આરોપીઓને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા લંબાવા પર નિર્ભયાની માતાએ સરકાર અને સિસ્ટમને જવાબદાર ઠેરવી છે. નિર્ભયાની માતાએ જણાવ્યું કે, આરોપીઓના વકીલો ફાંસીમાં વિલંબ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ આપણી સિસ્ટમ આંધળી છે, જે ગુનેગારોનું સમર્થન કરી રહી છે.
આશાદેવીએ જણાવ્યું કે, હું 7 વર્ષથી સંઘર્ષ કરતી આવી છું. 22 જાન્યુઆરીએ આરોપીઓને ફાંસી થશે કે કેમ? તે હું નથી જાણતી, કારણ કે કાનૂની વ્યવસ્થા આરોપીઓને સપોર્ટ કરે છે. સમગ્ર સિસ્ટમ અને સરકાર આરોપીઓની મદદ કરી રહ્યું છે. હવે સરકાર જ જણાવશે કે, આરોપીઓને ફાંસી થશે કે કેમ?
નિર્ભયાના ગુનેગારોની 22 જાન્યુઆરીએ ફાંસી થવી મુશ્કેલ જણાઈ રહી છે. તિહાર જેલ તરફથી હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં 22 જાન્યુઆરીએ આરોપીઓને ફાંસી આપવી અશક્ય છે. તિહાર જેલ તરફથી વકીલ રાહુલ મેહતાએ જણાવ્યું કે, હજુ સુધી રાષ્ટ્રપતિએ આરોપીઓની દયાની અરજી ફગાવી નથી. આથી 22 જાન્યુઆરીએ ફાંસી ના આપી શકાય. દયાની અરજી ફગાવ્યાના 14 દિવસો બાદ ફાંસી આપવામાં આવી શકે છે. આપણે નિયમોનું પાલન કરવું જોઈએ.
જણાવી દઈએ કે, નિર્ભયા દુષ્કર્મ કેસના આરોપી મુકેશની ક્યુરેટિવ પિટીશન ફગાવ્યા બાદ તેણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેનું ડેથ વોરન્ટ રદ્દ કરવામાં આવે. જે અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. મુકેશે પોતાની અરજીમાં દલીલ આપી હતી કે, તેણે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી છે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ તેને સ્વીકારે કે ફગાવે નહી, ત્યાં સુધી ફાંસી કેવી રીતે થઈ શકે.