ડિજિટલ ટ્રાન્જેક્શનને લઇને તમામ પ્રયાસો ચતાં આજે પણ મોટાભાગના લોકો રોકડ આધારિત લેવડ-દેવડ પર નિર્ભર છે. આ જ કારણ છે કે લોકો મોટી સંખ્યામાં ATM મશીનમાંથી રોકડ ઉપાડે છે. પરંતુ પાછલાં કેટલાંક સમયમાં આ મશીનોની સંખ્યા ઘટી રહી છે. આ જ કારણે આવનારા સમયમાં કેશ ટ્રાન્જેક્શનને લઇને સંકટ વધી શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના સખત નિયમોના કારણે બેન્કો અને એટીએમ મશીનોને લઇને જરૂરી બદલાવ કરવા પડી રહ્યાં છે. આ જ કારણે એટીએમ અને બેન્કોએ મોટી રકમ ખર્ચ કરવી પડે છે. તેવામાં સતત એટીએમ મશીનની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
મહત્વની વાત એ છે કે એટીએમ મશીનોની સંખ્યા ઘટવા છતાં ટ્રાન્જેક્શનની સંખ્યા વધતી જઇ રહી છે. જો એટીએમ મશીનોમાં ઘટાડાનો સિલસિલો આવી રીતે જ ચાલતો રહ્યો તો તેની અસર સમગ્ર દેશ પર થશે અને લોકોને રોકડા ઉપાડવામાં તકલીફ થશે.
આરબીઆઇ તરફથી તાજેતરમાં જ જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશમાં એટીએમ ટ્રાન્જેક્શનમાં વધારો થવા છતાં ગત બે વર્ષોમાં એટીએમ મશીનોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અનુસાર બ્રિક્સ દેશોમાં ભારત એવો દેશ છે જ્યાં પ્રતિ 1 લાખ લોકોએ ગણતરીના જ એટીએમ છે.
કોન્ફિડેરેશનલ ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે ચેતવણી આપી હતી કે વર્ષ 2019માં ભારતના અડધાં કરતાં વધું એટીએમ બંધ થઇ જશે.
કોન્ફિડેરેશનલ ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે જણાવ્યું હતું કે આશરે 2 લાખ 38 હજાર એટીએમ છે જેમાંથી આશરે 1 લાખ 13 હજાર એટીએમ માર્ચ 2019 સુધી બંધ થઇ જશે.
એટીએમ મશીનોના બંધ થવાના કારણ વિશે આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર આર.ગાંધીએ જણાવ્યું કે એટીએમ ઓપરેટર તે બેન્કો પાસેથી ઇન્ટરચેન્જ ફીસ વસૂલે છે જેનું કાર્ડ યુઝ કરવામાં આવે છે. આ ફીનો વધારો ન થવાના કારણે એટીએમની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
જણાવી દઇએ કે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીના એલાન બાદ સરકારને તે વાતની આશા હતી કે ડિજિટલ ટ્રાન્જેક્શન વધશે પરંતુ હજુ પણ ભારતમાં રોકડથી જ વધુ લેવડ-દેવડ થાય છે.