દેશમાં ઘાતક CORONA સંક્રમણના કેસ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના 3.80 લાખ કેસ નોંધાયા જે અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે 3,596 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજીતરફ દેશના વિવિધ શહેરોમાં ઓક્સિજનની પણ તંગી સર્જાઈ છે. આ સાથે જ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ 30 લાખ થઈ ગઈ છે જે ખૂબ જ ચિંતાજનક છે. ગત વર્ષે વાયરસનો પ્રકોપ શરૂ થયો ત્યાર બાદ પહેલી વખત સક્રિય દર્દીઓનો આંકડો 30 લાખે પહોંચ્યો છે.દેશમાં મોતનો આંક રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. હાલ દેશમાં કોરોનાનો CFR(કેસ ફેટાલિટી રેટ) 1.3 ટકા છે, એટલે કે ભારતમાં કોરોના પોઝિટિવ થનારા 100 લોકોમાંથી એકથી વધુનાં મૃત્યુ થઈ રહ્યાં છે. જોકે દેશનાં મોટાં શહેરોમાં કોરોનાનો મૃત્યુદર હાલ પણ 2.5 ટકા છે. પંજાબ, ગુજરાત, પશ્ચિમ બંગાળનાં મુખ્ય શહેરોમાં દર 100 કોરોના સંક્રમિતોમાંથી બેનાં મૃત્યુ થઈ રહ્યાં છે.આંતરરાષ્ટ્રીય સ્તરે તુલના કરીએ તો અમેરિકામાં સર્વાધિક આશરે 70 લાખ જેટલા સક્રિય દર્દીઓ છે. 30 લાખના આંકડા સાથે ભારત બીજા ક્રમે છે. બ્રાઝિલમાં આશરે 10 લાખ જેટલા સક્રિય કેસ છે અને તે ત્રીજા નંબરે છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા સતત વધી રહી છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
