મુંબઇઃ ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે વધુમાં વધુ લોકોને રાહત દરે કોવિડ-19નો ચેપ લાગ્યો છે કે નહી તે જાણવા માટે આવશ્યક RTPCR ટેસ્ટની સુવિધા પુરી પાડવા માટે એક વિદેશી કંપનીએ સર્વિસ શરૂ કરી છે. આ કંપનીએ ભારતમાં માત્ર 299 રૂપિયામાં RTPCR ટેસ્ટ કરવાની પહેલ શરૂ કરી છે.
ફ્રાન્સની કંપની પેથસ્ટોર (PathStore) એ ભારતમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા શરૂ કરી છે. આ વિદેશી કંપની માત્ર 299 રૂપિયામાં RT-PCR ટેસ્ટ કરી રહી છે. કંપનીનો ઉદ્દેશ્ય દેશભરમાં પોતાની પહોંચ વધારવાનો છે. પેથસ્ટોર કંપનીએ આજે મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યુ કે, કંપનીના અત્યંત સસ્તા RT-PCR ટેસ્ટથી પ્રવાસન, ઉદ્યોગજગત અને રિટેલ સેક્ટરને કામકાજમાં બહુ મદદ મળશે.
ભારતમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ વિવિધ રાજ્યોમાં 500થી 1000 રૂપિયા જેટલા છે.
પેથસ્ટોર આગામી એકથી ત્રણ મહિના દરમિયાન તમામ મુખ્ય કોવિડ-19 વાયરસથી પ્રભાવિત રાજ્યો સુધી પોતાની સેવાનું વિસ્તરણ કરશે. કંપની RT-PCR સેમ્પલ એકત્ર કરવા માટે 2000થી વધારે મેડિકલ રિપ્રેઝન્ટેટિવની ટીમ બનાવશે.
કંપનીએ ગુરુગ્રામમાં એક વિશાળ RT-PCR અને બાયો સિક્યોરિટી લેવલ-ત્રણ ટેસ્ટ લેબ સ્થાપિત કરી છે. અહીંયા એક દિવસમાં એક લાખ સેમ્પલનુ ટેસ્ટિંગ થઇ શકે છે. તેણે પોતાના સર્વિસ ચાર્જ એટલા ઓછા રાખ્યા છે કે દેશની 80 ટકાથી વધારે વસ્તી તેનો લાભ મેળવી શકે છે. કંપની આગામી દિવસોમાં પોતાની સેવાનું વિસ્તરણ કરશે.