મોડાસાના ભેરુંડા રોડ અને ધનસુરાના કોલવડા સુધી પોલ્ટ્રી ફાર્મના માલિક દ્વારા બે દિવસ અગાઉ કોલવડા પંચાયતના હમીરપુરની સીમમાં ખુલ્લી જગ્યામાં 2હજાર જેટલા મૃત હાલતમાં મરઘા ફેંકતા લોકોમાં બર્ડફ્લૂ ફાટી નીકળવાની દહેશત ફેલાતાં સ્થાનિકોએ પંચાયત સત્તાવાળાઓને ફરિયાદ કરતાં પંચાયત સત્તાવાળાઓ દ્વારા તપાસ હાથ ધરીને સ્થળ પર પંચનામું કરી પોલ્ટ્રી ફાર્મના માલિકને નોટિસ ફટકારવા કાર્યવાહી હાથ ધરાઇ હતી. તદઉપરાંત પંચાયત દ્વારા પશુપાલન વિભાગે પણ જાણ કરવા તજવીજ હાથ ધરાઇ હતી. જાગૃત નાગરિકોએ કોલીખડ પંચાયત સત્તાવાળાઓને જાણ કરતા સરપંચ અને તલાટી સહિતને જાણ કરતાં ફાર્મના માલિકને નોટિસ દ્વારા તાકીદ કરી મૃત મરઘાની યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટે નોટિસ દ્વારા માલિકને જાણ કરાઇ હતી. આ અંગે જિલ્લા પશુપાલન વિભાગના નાયબ અધિકારી કવેશ પટેલે જણાવ્યું કે પશુપાલનની ટીમે સ્થળની મુલાકાત કરી મૃત મરઘાઓના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરી હતી અને રોગચાળો ન ફેલાય તે માટે પણ દવાનો છંટકાવ કરાયો હતો. ઉપરાંત મૃત મરઘા ફેંકનારના માલિક ની તપાસ હાથ ધરાઇ હોવાનું પણ જણાવ્યું હતું.
