બેંગ્લોરમાં નોકરી કરતી હરિયાણાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી એક વર્ષ અગાઉ સુરત ભગાડી લાવી અનેક વખત શરીરસબંધ બાંધ્યા બાદ તરછોડી દેનાર મોબાઇલ એસેસરીઝના વેપારી એવા રાજસ્થાની યુવક વિરૂધ્ધ અમરોલી પોલીસમાં બળાત્કારની ફરીયાદ નોંધાય છે.મૂળ હરિયાણાની એન્જિનીયર નીરાલી (ઉ.વ. 23 નામ બદલ્યું છે) બેંગ્લોરની પ્રાઇવેટ કંપનીમાં જોબ કરતી હતી. બેંગ્લોરમાં જયાં રહેતી હતી તેની સામે મોબાઇલ શોપમાં રીચાર્જ અને એસેસરીઝ લેવા માટે જતી વેળા દુકાનદારના નાના ભાઇ અને મુંબઇ સેન્ટ્રલમાં મોબાઇલ એસેસરીઝનો વેપાર કરતા રમેશ રઘુવીર માલી (મૂળ રહે. રાજસ્થાન) સાથે પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ નિયમીત પણે વાતચીત કરતા હતા અને પ્રેમસબંધ બંધાયો હતો. દરમિયાનમાં એકાદ વર્ષ અગાઉ રમેશ લગ્ન કરવાની લાલચ આપી નિરાલીને સુરત લઇ આવ્યો હતો અને અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં ભાડાના મકાનમાં તેઓ પતિ-પત્નીની જેમ રહેતા હતા.રમેશ મુંબઇ સેન્ટ્રલમાં મોબાઇલ એસેસરીઝની દુકાન ધરાવતો હોવાથી તે અઠવાડિયાના ચાર દિવસ મુંબઇ અને ત્રણ દિવસ સુરત રહેતો હતો. લગ્ન વગર પતિ-પત્નીની જેમ રહેતા નિરાલી અને રમેશ વચ્ચે અનેક વખત શરીરસબંધ બંધાયો હતો. પરંતુ રમેશ જયારે મુંબઇ હોય ત્યારે નિરાલી તેને ફોન કરે તો ગાળાગાળી કરતો હતો અને હવે મને ફોન કરતી નહીં, જો ફોન કરશે તો મારી નાંખીશ તેવી ધમકી આપતો હતો. જેથી નિરાલીએ પ્રેમી રમેશ વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી.મૂળ હરિયાણાની નિરાલીના પિતા હયાત નથી અને માતા મહારાષ્ટ્રના પુણેમાં નોકરી કરે છે. નિરાલી જે સમાજની છે તેમાં પ્રેમલગ્ન કરનારનો ઉગ્ર વિરોધ કરવામાં આવે છે અને સમાજની પંચાયત દ્વારા તેમનો સ્વીકાર કરવો કે નહીં તે નક્કી થાય છે. નિરાલીનો ભાઇ આર્મીમાં છે અને તેણે પણ પ્રેમલગ્ન કર્યા હોવાથી સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે. બીજી તરફ માતાએ નિરાલીના પ્રેમસબંધનો સ્વીકાર કર્યો હતો પરંતુ સમાજ તેના સબંધને સ્વીકારતો નહીં હોવાથી નિરાલીના લગ્નનો ઠીક પરંતુ તેના વતન જવાના દરવાજા પણ બંધ થઇ ગયા છે.
