એક યુવકને પોતાની નારાજ પત્નીને મનાવવા માટે સાસરે જવાનું ખૂબ જ મોંઘુ પડી ગયું છે. ઉશ્કેરાયેલી પત્નીએ રાતે પતિ પર હુમલો કરી દીધો હતો અને બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ફરાર થઈ ગઈ હતી.આ ઘટના ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં આવેલા રામપુર ચાર રસ્તા હરબંશ પટ્ટી ખાતેની છે. પીડિત યુવકનું નામ ગોવિંદા કુમાર છે અને તે ગોપાલગંજના ઉચકાગામ થાણાક્ષેત્રમાં આવેલા જમસડી ગામનો રહેવાસી છે. પ્રાઈવેટ પાર્ટ કપાવાના કારણે ઘાયલ થયેલા યુવકને ગોપાલગંજ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આઠ મહિના પહેલા પીડિત ગોવિંદા કુમારના લગ્ન વિભા કુમારી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ તેની પત્ની સાસરામાં મળેલા ઘરેણા લઈને ફરાર થઈ ગઈ હતી. બાદમાં 40 દિવસ પછી યુવક પત્નીને સમજાવીને ઘરે પાછી લાવ્યો હતો. જો કે, ત્યાર પછી તેની પત્ની ફરીથી ફરાર થઈ ગઈ હતી અને પિયર પોતાની માતા પાસે રહેવા લાગી હતી. યુવકના કહેવા પ્રમાણે બુધવારે બપોરે તેની પત્નીએ તેને ફોન કરીને બોલાવ્યો હતો અને પોતે સાથે આવશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ તે સાસરે ગયો હતો અને 24 માર્ચે રાતે તેમણે સાથે ભોજન કર્યું હતું અને પછી એક રૂમમાં સુવા માટે ગયા હતા. યુવકના કહેવા પ્રમાણે રાતે તે સૂતો હતો તે સમયે તેની પત્નીએ બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો અને ફરાર થઈ ગઈ હતી.
