ફરજમાંથી મૂક્ત કરાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માની મુશ્કેલીઓ વધતી નજરે પડી રહી છે. તેમના પર 36 કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શુક્રવારે હરિયાણાની જમીનના સંપાદન કેસમાં ખેડુતો વતી વકીલપત્ર દાખલ કરનાર વકીલ જસબીરસિંહ મલિકે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના દ્વારા આલોક વર્મા અંગે કેબિનેટ સચિવને કરવામાં આવેલી ફરીયાદનો ઉલ્લેખ કરી કહ્યું કે સીબીઆઈ ડાયરેક્ટરને જમીનનો કેસ બંધ કરવા માટે 36 કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી હતી.
વકીલ જસબીરસિંહે કહ્યું કે સીબીઆઈ દ્વારા વારંવાર તપાસ માટે સમય માંગવામાં આવે છે જે અંગે શંકા થાય છે. કોર્ટે વકીલનેં સંબંધિત ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે અને કેસની સુનાવણી જાન્યુઆરીના બીજા સપ્તાહમાં કરવાનું ઠરાવ્યું છે.
આ મામલો ગુડગાંવના રેસિડેન્શીયલ અને કોમર્શિયલ વિકાસ માટે 2009-2010માં સંપાદિત કરાયેલી 1400 એકર જમીનનો છે. 1400 એકરમાંથી હરિયાણા સરકારે બાદમાં 1313 એકર જમીન સંપાદન મૂક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે પાછલા નવેમ્બર મહિનામાં સંપાદિત જમીન મૂક્ત કરવા અંગે તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટે તપાસ એટલા માટે આપી હતી કે જમીન સંપાદન મૂક્ત કરવા પાછળ રૂપિયાની લેતી-દેતી અને બિલ્ડરો સાથે સાંઠગાંઠ તો ન હતીને. કોર્ટે સીબીઆઈને તપાસ રિપોર્ટ 6 મહિનામાં રજૂ કરવાનું જણાવ્યું હતું.
આ મામલે શુક્રવારે જસ્ટીસ અરુણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ સુનાવણી કરવામાં આવી હતી. સીબીઆઈ દ્વારા તપાસ માટે અંતિમ સમય માંગવામાં આવ્યો હતો. પણ ખેડુતોના વકીલ જસબીરસિંહે સીબીઆઈની માંગ પર વાંધો ઉઠાવતા કહ્યું કે સીબીઆઈએ આ પહેલાં પણ અનેક વખત મુદ્દત માંગી છે. મુદ્દત માંગવા અંગે સીબીઆઈનો ઈરાદ ઠીક લાગતો નથી.
વકીલ જસબીરસિંહે કહ્યું કે સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટરે(રાકેશ અસ્થાનાનું નામ લીધા વિના) 24મી ઓગષ્ટ,2018માં કેબિનેટ સચિવને લેટર લખી આરોપ લગાવ્યો છે કે હરિયાણા કેડરના આઈએએસ અધિકારીએ સીબીઆઈના ડાયરેક્ટરને તપાસ બંધ કરવા માટે 36 કરોડ રૂપિયા આપ્યા હતા
આ મામલો ગુડગાંવના સેકટર 58થી લઈને 67 વચ્ચે આવતા આઠ ગામનો છે. આ ગામોમાં બાદશાહપુર, બેહરામપુર, નાગલી, ઉમારપુરા, તિગરા, ઉલ્લાવાસ, ખાદરપુર, ઘાટા અને મડવાસની 1400 એકર જમીન સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. હરિયાણા સરકારે રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે 2009માં આ ગામોની 1400 એકર જમીન સંપાદિત કરી હતી. પરંતુ 2010માં 800 એકર જમીન માટે જ કલમ 6ની નોટીસ આપી હતી. ત્યાર બાદ મે-2012માં માત્ર 87 એકર જમીનનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો અને બાકીની બધી જમીન સંપાદન મૂક્ત કરી દેવામાં આવી હતી. ખેડુતોએ હાઈકોર્ટમાં પણ જમીન સંપાદન વિરુદ્વ અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે સંપાદન રદ્ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોચી હતી.