મંગળવારે સવારે નવી મુંબઈમાં આગ લાગવાની એક ભીષણ દુર્ઘટના ઘટી છે. ઉરણ સ્થિત ઓએનજીસીના પ્લાન્ટમાં આજે સવારે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકો આગમાં ભડથું થઈ ગયા છે જે પૈકી ત્રણ સીઆઈએસએફના જવાનો હોવાનું જણાયું છે. આગને પગલે કેટલાક વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. અંદાજે બેથી અઢી કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
સવારે સાત વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં આગ ફાટી નિકળી હતી. તે સમયે પ્લાન્ટમાં વધારે લોકો હાજર નહતા જેથી જાનહાની ટળી છે. આગ ગેસ પ્લાન્ટમાં લાગી છે. ફાયરબ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જે સ્થળ પર આગ લાગી છે ત્યાં ભારે પ્રમાણમાં ક્રૂડ ઓઈલ રહેલું છે. ઓએનજીસી પ્લાન્ટ તરફ આવતા દરેક રસ્તાઓને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
ઓએનજીસીના પ્લાન્ટમાં ફાયર સેફ્ટીની પર્યાપ્ત સુવિધાને પગલે ફાયરના જવાનોને આગ ઓલવવામાં સરળતા રહી હતી. આગને પગલે ઓએનજીસીએ એલએનજી ગેસનો સપ્લાય હઝીરા પ્લાન્ટ તરફ ડાયવર્ટ કર્યો હતો. આગ લાગવા પાછળનું કારણ વિસ્તૃત તપાસ બાદ સામે આવશે.