રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ગત ડિસેમ્બર, ૨૦૧૮થી શિક્ષકોની હાજરી ઓનલાઇન લેવાનો નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો હતો. ઓનલાઇન હાજરીની સિસ્ટમ લાગુ કરાતાં ગુલ્લીબાજ શિક્ષકો હવે સ્કૂલમાં હાજર રહેવા મજબૂર બન્યાં છે. ડિસેમ્બરથી લઈને જુલાઈ, ૨૦૧૯ સુધીના સાત મહિનાના ટૂંકાગાળામાં ૧૦૦ ટકા હાજરી વાળા શિક્ષકોની સંખ્યામાં ૩૧,૫૨૪નો વધારો નોધાયો છે.
આ પહેલાં માત્ર ૧૧,૭૮૨ શિક્ષકોની સ્કૂલમાં ૧૦૦ ટકા હાજરી રહેતી હતી, જેમાં વધારો થતા આ સંખ્યા હવે ૪૩,૩૦૬એ પહોંચી છે. આમ રાજ્યના કુલ શિક્ષકો પૈકી ૬ ટકા શિક્ષકોની હાજરી ૧૦૦ ટકા હતી જેમાં ૧૬ ટકાનો વધારો થતા હવે આ ટકાવારી ૨૨ ટકાએ પહોંચી હોવાનું શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવે જણાવ્યું હતું.
ડિસેમ્બર, ૨૦૧૮માં જ્યારે ઓનલાઇન હાજરી પૂરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારે ૦ ટકાથી લઈને ૧૦૦ ટકા સુધીની હાજરી હોય તેવા શિક્ષકોને અલગ પાર્ટમાં વહેંચવામાં આવ્યાં હતા. રાજ્યમાં કુલ ૧,૯૩,૧૨૫ શિક્ષકો હાલમાં કામગીરી કરી રહ્યાં છે.
જેમાં ૧૦૦ ટકા હાજરી વાળા શિક્ષકોની સંખ્યા વધી છે. આ સિવાય ૮૧થી ૧૦૦ ટકા હાજરી ધરાવતા શિક્ષકોની સંખ્યા ૧,૩૫,૧૭૪ હતી જેમાં ઘટાડો નોંધાતા આ સંખ્યા હવે ૧,૨૮,૭૦૨ પહોંચી છે. ૬૧થી ૮૦ ટકા હાજરી ધરાવતા શિક્ષકોની સંખ્યા ૩૫,૫૧૬ હતી જેમાં ઘટાડો થતા આ સંખ્યા હાલમાં ૧૫,૭૩૨ નાંધાઈ છે.
૩૧થી ૫૦ ટકા હાજરી ધરાવતા શિક્ષકોની સંખ્યા ૨,૫૦૭ હતી જેમાં પણ ઘટાડો થતાં આ સંખ્યા ૧,૦૧૬ થવા પામી છે. ૦થી ૩૦ ટકા વાળા શિક્ષકીની સંખ્યા ૨,૭૨૨ હતી જે ઘટીને ૯૦૦ થઈ ગઈ છે. આમ ૧ ટકાથી લઈને ૯૯ ટકા સુધીની હાજરી ધરાવતાં ૩૦,૫૩૩ શિક્ષકો ઘટયાં છે જેનો સીધો સમાવેશ ૧૦૦ ટકા હાજરી ધરાવતાં શિક્ષકોમાં થયો હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓ જણાવી રહ્યાં છે.