Operation Sindoor: ભારતની એર સ્ટ્રાઈકની અસર પડોશી દેશો પર પણ પડી, શ્રીલંકાએ પાકિસ્તાન અંગે લીધો મોટો નિર્ણય
Operation Sindoor: ભારત દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ કરવામાં આવેલા હવાઈ હુમલાના પડઘા હવે પડોશી દેશોમાં પણ સંભળાઈ રહ્યા છે. શ્રીલંકાની રાષ્ટ્રીય એરલાઇન ‘શ્રીલંકન એરલાઇન્સ’ એ પાકિસ્તાનમાં વધતા ખતરાને ધ્યાનમાં રાખીને લાહોર જતી ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. જોકે, કરાચી જતી ફ્લાઇટ્સ પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે.
શ્રીલંકન એરલાઇન્સ હાલમાં લાહોર માટે અઠવાડિયામાં ચાર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે આગામી સૂચના સુધી રદ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાશ્મીર ક્ષેત્રમાં વધી રહેલા લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને હવાઈ ક્ષેત્ર બંધ કર્યું
બુધવારે રાત્રે, પાકિસ્તાન સરકારે લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ પર વાણિજ્યિક ફ્લાઇટ્સ માટે એરસ્પેસ બંધ કરી દીધું. જોકે, કરાચી એરપોર્ટ કાર્યરત રહેશે, એમ પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી (PAA) એ જણાવ્યું હતું.
ઓપરેશન સિંદૂર: બદલો લેવાની કાર્યવાહી
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ નાગરિકોના મોત બાદ, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકે (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં નવ આતંકવાદી લોન્ચ પેડ પર મિસાઈલ હુમલા કર્યા. આમાં જૈશ-એ-મોહમ્મદનું બહાવલપુર ઠેકાણું અને લશ્કર-એ-તૈયબાનું મુરીદકે ઠેકાણું શામેલ છે.
પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે આ હુમલાઓમાં 31 લોકો માર્યા ગયા છે અને 57 અન્ય ઘાયલ થયા છે.