સુરતમાં આ મહિને ધોરણ 12 સાયન્સ પાસ યુવાનો માટે ઇન્ડિયન એરફોર્સમાં એરમેનની ભરતી યોજાશે. એરમેન ભરતી રેલી ફેબ્રુઆરી-2020 સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 17થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. ભરતીમાં ગ્રૂપ ‘વાય’ (નોન ટેક્નિકલ) મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડની પોસ્ટ માટે ઉમેદવારે ધોરણ 12 સાયન્સ બી ગ્રૂપમાં 50 ટકા મેળવેલા હોવા જરૂરી છે. બોર્ડે દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવ્યું છે કે, ભરતી પ્રક્રિયામાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે સ્કૂલોને જાણ કરવાની રહેશે. સુરતમાં ભરતી પ્રક્રિયા બે અલગ અલગ તબક્કામાં યોજાશે.એરફોર્સે બીઈ થયેલા વિદ્યાર્થીઓ માટેની ભરતીની જાહેરાત પણ કરી છે. ગુજરાતમાં માત્ર સુરત ખાતેના એક સેન્ટર પર તમામ જિલ્લાઓની ભરતી યોજાશે. ઉમેદવારોની સવલત માટે જિલ્લા પ્રમાણે બે દિવસ ફાળવાયા છે.
ચાર દિવસ જિલ્લા પ્રમાણે ભરતી કરવામાં આવશે
17 ફેબ્રુઆરી: અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, ગાંધીનગર, પોરબંદર, અમદાવાદ, મહેસાણા, દીવ, દમણ, દાદરા અને નગર હવેલીના ઉમેદવારો માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, લેખિત પરીક્ષા યોજાશે. આ ઉમેદવારોની એડેપ્ટેબિલિટી ટેસ્ટ-1 અને એડેપ્ટેબિલિટી ટેસ્ટ -2 18 ફેબ્રુઆરીએ.
19 ફેબ્રુઆરી: સુરત, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, ખેડાના ઉમેદવારો માટે ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, લેખિત પરીક્ષા. આ ઉમેદવારોની એડેપ્ટેબિલિટી ટેસ્ટ-1, એડેપ્ટેબિલિટી ટેસ્ટ-2 20 ફેબ્રુઆરીએ યોજાશે.
શૈક્ષણિક લાયકાત: એરફોર્સ મેડિકલ આસિસ્ટન્ટ (નોન ટેક્નિકલ ટ્રેડ)ની પોસ્ટ માટે ભરતી કરશે, જે માટે ઉમેદવારોએ ધો. 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજીના વિષય સાથે સરેરાશ 50 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ. આ સાથે શારીરિક યોગ્યતામાં ઉમેદવારની લઘુતમ ઊંચાઈ 152.5 સે.મી. હોવી જોઈએ.