કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કર્યાનો વિરોધ કર્યો હતો. સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે એ દુઃખની વાત છે કે ગૃહની અંદર બેસીને ચર્ચા કરવાને બદલે અમારે અહીં બહાર વિરોધ કરવો પડે છે.
સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ અન્ય વિપક્ષી પાર્ટીઓના સાંસદો સાથે સંસદ ભવન સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
તૃણમૂલ સાંસદ સૌગત રોયે કહ્યું કે 12 સસ્પેન્ડેડ સાંસદોને માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે પરંતુ મને નથી લાગતું કે વિપક્ષ માફી માંગશે. 12 સાંસદોમાંથી 2 સાંસદ તૃણમૂલના પણ છે, તૃણમૂલ માફી માંગવાની વિરુદ્ધ છે. તૃણમૂલના બંને સાંસદો ગાંધી પ્રતિમા સામે ધરણા પર બેઠા છે અને આ ધરણા ચાલુ રહેશે.
કોંગ્રેસ અને ડીએમકે સાંસદોએ પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાંથી વોકઆઉટ કર્યું. વિપક્ષી સાંસદોના હંગામા બાદ રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી.