કોરોના મહામારીને લીધે ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા સ્થગિત રાખી છે. બદ્રીનાથ ધામના કપાટ 18 મે, કેદારનાથના કપાટ 17 મે અને ગંગોત્રી-યમુનોત્રીના કપાટ 14 મેના રોજ ખુલશે. કપાટ ખોલતી વખતે માત્ર મંદિર સાથે જોડાયેલા લોકો જ ઉપસ્થિત રહેશે. સામાન્ય શ્રદ્ધાળુઓ દર્શન માટે નહીં આવી શકે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે યાત્રા મોકૂફ રાખી છે. ગુરુવારે આ ચર્ચા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ ચારધામ મંદિર શિયાળામાં બંધ કરી દેવામાં આવે છે. શિયાળામાં અહીં વાતાવરણ વધારે ઠંડું થઇ જાય છે, અને બરફવર્ષા પણ થાય છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને ચારેય મંદિર આશરે 6 મહિના સુધી બંધ રાખવામાં આવે છે. ઉનાળામાં અહીંનું વાતાવરણ અનુકૂળ હોય ત્યારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. ગયા વર્ષે પણ કોરોના મહામારીને લીધે ચારધામ મંદિરોના કપાટ લિમિટેડ લોકોની હાજરીમાં જ ખોલ્યા હતા.
