કાશ્મીરમાં કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાન હચમચી ગયું છે. જેના કારણે તેણે ભારતના વિમાનોની અવરજવર માટેનો એક હવાઈ માર્ગ બંધ કરી દીધો છે. પાકિસ્તાને ગુરૂવારે રાત્રે પોતાના એર સ્પેસનો એક કોરિડોર બંધ કરી દીધો હતો જેના કારણે હવેથી ઈન્ટરનેશલ ફ્લાઈટ્સને 12 મિનિટનો વધારે સમય લાગશે. પાકિસ્તાને આ અગાઉ બુધવારે ભારત સાથેના રાજકીય સંબંધો ઘટાડી દઈને ધંધાકીય સંબંધો સમાપ્ત કરી દીધા હતા.
એર ઈન્ડિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર કોરિડોર બંધ કરી દેવાના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલી દેવાયા છે. એરલાઈનના પ્રવક્તાના જણાવ્યા મુજબ ‘પાકિસ્તાને પોતાના હવાઈ વિસ્તારમાં એક કોરિડોર બંધ કરી દીધો છે, જેનાથી રૂટમાં વધુમાં વધુ 12 મિનિટ જેટલો વધારો થશે. એક રસ્તો બંધ કરી દેવાથી અમારા પર કોઈ ખાસ અસર નહીં પડે.’ પાકિસ્તાની એર સ્પેસથી એર ઈન્ડિયાની દરરોજ લગભગ 50 જેટલી ફ્લાઈટ પસાર થાય છે.
પાકિસ્તાનને આવું કરીને જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવી દેવાના નિર્ણયનો વિરોધ કરતા આ પગલું ઉઠાવ્યું છે. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા જાહેર નોટિસ ટુ એરમેન (NOTAMS) અનુસાર, એરસ્પેસમ 6 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત સીસીએએ પાકિસ્તાનની એરલાઈન્સના હવાઈ માર્ગોમાં પણ ફેરફાર કર્યા છે. જેમાં ખાસ કરીને લાહોર વિસ્તારની એરલાઈન્સનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, વિમાનોની ઉડાનની ઓછામાં ઓછી ઉંચાઈને પણ વધારી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને બુધવારે અચાનક લીધેલાં એક પગલાંમાં ભારત સાથેના તમામ સંબંધો કાપી નાંખવાનો નિર્ણય લીધો છે. ઈસ્લામાબાદે પાકિસ્તાન ખાતેના ભારતીય રાજદૂત અજય બિસારાને હાંકી કાઢ્યા છે અને પોતાના હાઈ કમિશનરને દિલ્હી નહીં મોકલવા માટેનો નિર્ણય લીધો છે. આ સાથે તેણે દ્વી-પક્ષીય વેપાર સંબંધો પણ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. ભારત સરકારે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાની કલમ 370 અને 35એ રદ કરી દેતાં પાકિસ્તાન ગિન્નાયું છે અને પ્રતિપ્રહાર તરીકે તેણે આ નિર્ણયો લીધા છે.