દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના વધતા કેસ અને સતત ખરાબ થઈ રહેલી સ્થિતિ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટએ આ મામલે દિલ્હીની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકારને પૂછ્યું કે, દિલ્હીમાં ટેસ્ટિંગ કેમે ઓછું થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને બરાબરની ખખડાવી હતી. કોરોનાના વધતા સંકટ, હોસ્પિટલોની સ્થિતિ, મૃતદેહો સાથે કરવામાં આવતા વ્યવહારને લઈને અદાલતે દિલ્હી સરકાર પાસે જવાબ પણ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે હૉસ્પિટલોમાં શબોની રાખવાની કામગીરીને લઈને પણ દિલ્હી સરકાર ઉપર ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દેશની રાજધાનીમાં જે રીતે શબો સાથે વ્યવહાર કરવામાં આવે છે તે દુખદ છે.
કોરોનાના દર્દીઓના શબો સાથે ખરાબ અને અમાનવીય વ્યવહાર ઉપર પણ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે દેશની રાજધાનીમાં અને તેની હૉસ્પિટલોનો બહુ ખરાબ હાલ છે. દિલ્હીની હૉસ્પિટલોમાં ગૃહ મંત્રાલય તરફથી જાહેર નવી ગાઇડલાઇનનું પાલન નથી કરવામાં આવતું. હૉસ્પિટલો શબોની સાચવણી અને તેનો નિકાલ કેન્દ્ર સરકાર તરફથી ઘડવામાં આવેલા નિયમો મુજબ નથી કરી રહ્યા.