પવન જલ્લાદે ફાંસીનું વર્ણન કર્યું હતું. પવનના કહેવા પ્રમાણે બધા જ ગુનેગારો ભારે ડરી ગયા હતા. ફાંસી માંચડે ચડતા પહેલાં એટલે ડરેલા હતા કે ચાલી શકવાની સ્થિતિમાં પણ ન હતા, છતાં ચારેયમાંથી એકેયને તેના ગુનાનો અફસોસ ન હતો. પવન જલ્લાદે તિહાર જેલમાં ચાર ગુનેગારોને ફાંસી આપીને મેરઠના જેલ અધિકારીને રીપોર્ટ સુપરત કર્યો હતો. તિહાર જેલ તંત્રએ મેરઠથી ખાસ ફાંસી માટે પવનને બોલાવ્યો હતો.
સુરક્ષાના કારણોસર વિશેષ પ્રોટેક્શનમાં મેરઠ આવ્યા પછી પવને કહ્યું હતું કે તેને આ ચાર નરાધમોને ફાંસી આપવાના બદલામાં તિહાર જેલે 60 હજાર રૂપિયાનો ચેક આપ્યો છે. સામાન્ય રીતે એક ફાંસી માટે જલ્લાદને 15 હજાર રૂપિયા મળે છે. તે સિવાય દિલ્હીની ઘણી સામાજિક સંસ્થાઓએ પણ પવનને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. પવને કહ્યું હતું કે ચારેય ગુનેગારોના ગળામાં ફાંસીનો ફંદો નાખ્યો ત્યારે એ જીવતા રહેવા આજીજી કરતા હતા. અમને માફ કરી દો એવું પણ ગણગણતા હતા, પરંતુ તેમ છતાં ગુનેગારોએ તેના કૃત્ય માટે એક પણ વખત અફસોસ વ્યક્ત કર્યો હતો.
બરાબર 5.30 વાગ્યે અધિકારીએ જેવો ઈશારો કર્યો કે તરત જ લીવર ખેંચી લીધું હતું. ચાર નરાધમોને બે તખ્તા ઉપર ઊભા કરાયા હતા. ફાંસી આપવા માટે બે લીવર ખેંચ્યા હતા. પવને કહ્યું હતું કે મને એનો સંતોષ છે કે આવું ઘોર કૃત્ય કરનારા નરાધમોને મારા હાથે ફાંસી મળી છે. મેરઠ આવીને પવને જેલ અધિક્ષક બીડી પાંડેને અહેવાલ આપ્યો હતો. નિયમાનુસાર પાંડેએ પવનને પૂછ્યું હતું : કામ હો ગયા? જવાબમાં પવને સાવધાન થઈને કહ્યું હતું : હા, તે સાથે જ પવને આપેલી આ ફાંસીનો રીપોર્ટ ફાઈલ થયો હતો.